– ધોળા દિવસે લૂંટ, ખેડામાં અસામાજિક તત્વો બેફામ
– લૂંટારુંઓએ વૃદ્ધ પર ચાદર નાખી બાંધી, છરીનો ઘસરકો કરી રોકડ, દાગીના લૂટયા
નડિયાદ : ખેડા જિલ્લામાં કાયદો અને વ્યવસ્થા જાણે કોરણે મુકાઈ ગઈ હોય તેમ ગેરકાયદેસર પ્રવૃતિઓ કરતા ઈસમોમાં કોઈ ડર રહ્યો નથી. હવે મહુધામાં લુંટારુઓએ ધોળે દિવસે ઘરમાં ઘુસી વૃદ્ધને બંધક બનાવી અને સવા લાખ ઉપરાંતની મત્તા લૂંટીને ફરાર થઈ જતા ચકચાર મચી છે. હાલ આ મામલે પોલીસ ફરીયાદ નોંધવાની પ્રક્રિયા ચાલી રહી છે.
ખેડા જિલ્લામાં ગેરકાયદે પ્રવૃત્તિ કરતા તત્વોને કાયદો અને વ્યવસ્થાનો કોઈ ડર રહ્યો નથી. મહુધામાં લૂંટારુંઓ ધોળે દિવસે નિવૃત્ત શિક્ષકને બંધક બનાવી ઘરમાંથી રૂા. ૨.૨૫ લાખની મત્તા લૂંટી ફરાર થઈ ગયા હતા. હાલ આ મામલે પોલીસ ફરિયાદ નોંધવાની પ્રક્રિયા ચાલી રહી છે.
આ સમગ્ર મામલે પીડિત જેઠાભાઈ મકવાણાના જણાવ્યાનુસાર, તેઓ બપોરના સુમારે ૧.૩૦ કલાકે મહુધા ચકલી વિસ્તારમાં આવેલા મકાનમાં પ્રથમ માળે પત્ની સાથે હતા. દરમિયાન એકાએક કેટલાક ઈસમો તેમના ઘરે આવી પહોંચ્યા હતા અને પાછળના રૂમમાં બેઠેલા જેઠાભાઈ પર ચાદર નાખી દીધી હતી. જેઠાભાઈને નીચે પાડી દઈ અને તેમના હાથ-પગ બાંધી દીધા હતા અને તેમની પાસે ઘરમાં જે કાંઈ હોય તે આપી દેવા જણાવ્યું હતું. આ દરમિયાન જેઠાભાઈએ ના પાડતા, આ લૂંટારુઓએ ચપ્પા જેવા હથિયારથી તેમના પગ પર ઘસરકો કર્યો હતો. જેથી નિવૃત્ત શિક્ષકે ડરના માર્યા ઘરમાં રહેલી સામગ્રી બતાવી હતી, જેથી તિજોરીમાંથી લૂંટારુંઓએ ૧.૮૫ લાખ રોકડા અને જેઠાભાઈના હાથમાંથી વીંટી અને અન્ય એક કબાટમાંથી ૧૭ હજાર રૂપિયા જેટલી રકમ કાઢી લીધી હતી અને બાદમાં ફરાર થઈ ગયા હતા. આ સમગ્ર મામલો સામે આવતા હાલ પોલીસ સ્થળ પર પહોંચી તપાસ કરી રહી છે અને આ મામલે ગુનો દાખલ કરવાની પ્રક્રિયા ચાલી રહી છે. આ તરફ જેઠાભાઈના પત્નીને પણ આંખે જોઈ ન શકતા હોવાની પણ માહિતી મળી રહી છે.
જો કે, આ સમગ્ર ઘટનાક્રમ વચ્ચે પોલીસની કામગીરી સામે પ્રશ્નાર્થ ઉઠયા છે. એકતરફ અસામજીક તત્વોને ડામવા માટે જોરશોરથી બૂમરેંગ કરવામાં આવી રહી છે, ત્યારે ખેડા જિલ્લામાં અસમાજીક તત્વોમાં પોલીસ અને કાયદાનો બિલકુલ ડર ન હોય તેવી પરીસ્થિતિ દેખાઈ રહી છે. જેના કારણે મહુધામાં મુખ્ય રહેણાંક વિસ્તારમાં ધોળા દિવસે ઈસમોએ લૂંટ ચલાવી રફુચક્કર થઈ ગયા છે.