હાલોલ તા.૭ પંચમહાલ જિલ્લાના સુપ્રસિદ્ધ યાત્રાધામ તેમજ શક્તિપીઠ પાવાગઢ માચી ખાતે માલવાહક રોપ વે ગઇકાલે તૂટી પડવાની ઘટનામાં છ લોકોના મોત થતા પંચમહાલ કલેકટર દ્વારા તપાસ સમિતિની રચના બાદ સમિતિના સભ્યો દ્વારા તપાસનો ધમધમાટ શરૃ કરાયો છે.
પાવાગઢમાં ગુડ્ઝ રોપ વેની દુર્ઘટના બાદ અકસ્માત કયા કારણોસર થયો તેની તપાસ માટે જિલ્લા કલેક્ટર દ્વારા ચાર સભ્યોની રચના કરવામાં આવી છે. કાર્યપાલક ઇજનેર માર્ગ અને મકાન વિભાગ, કાર્યપાલક ઇજનેર માર્ગ અને મકાન ઇલેક્ટ્રિકલ, કાર્યપાલક ઇજનેર મિકેનિકલ તેમજ ઇલેક્ટ્રિકલ ઇન્સ્પેક્ટર આમ ચાર સિનિયર અધિકારીઓની ટીમને બનાવની તપાસ કામગીરી સોંપવામાં આવી છે.
આજે વહેલી સવારથી તપાસ સમિતિના સભ્યોએ ઘટનાસ્થળે પહોંચી વહીવટીતંત્ર તેમજ પોલીસને સાથે રાખી કામગીરી આરંભી હતી. સમિતિના સભ્યોએ તપાસની શરૃઆત જિલ્લા કલેકટરની હાજરી સાથે કરી હતી. જિલ્લા કલેકટરે જણાવ્યું હતું કે તપાસ સમિતિનો પ્રાથમિક અહેવાલ આવવાનો બાકી છે. સાથે સાથે પોલીસ તેમજ એફએસએલની તપાસ પણ ચાલુ છે.
તેમણે ઉમેર્યુ હતું કે ટેકનિકલ સમિતિ અને એફએસએલ સાથે પ્રાથમિક તબક્કે વાત કરતા જાણવા મળ્યું છે કે ટાવર નંબર ૩ અને ટાવર નંબર ૪ની વચ્ચેનો રોપ વેનો મુખ્ય કેબલ તૂટી જવાના કારણે ગાઈડ કેબલ સાથે ટ્રોલી નીચે એક નંબરના ટાવર સાથે ધડાકાભેર અથડાતા આ ઘટના બની હતી. તૂટેલા રોપ વેના બંને છેડા શોધવાની કામગીરી હાલમાં ચાલુ છે. પરંતુ વરસાદી વાતાવરણ હોવાને કારણે તેમાં સમય લાગી રહ્યો છે રોપ વેના બંને છેડા શોધ્યા બાદ તે તપાસ માટે એફએસએલમાં મોકલાશે. એફએસએલની તપાસમાં અકસ્માતનું મુખ્ય કારણ જાણવા મળશે.