Savarkundla Amreli News : સાવરકુંડલાના સુથાર સમાજમાં તાજેતરમાં બનેલી એક અનોખી ઘટના સમગ્ર સમાજ માટે પ્રેરણાનું સ્ત્રોત બની છે. સ્વર્ગસ્થ ધનજીભાઈ બાબુભાઈ સોનિગરા (ઉં.વ. 75) ના અવસાન પ્રસંગે તેમની પાંચ દીકરીઓએ પિતાને અંતિમ વિદાય આપીને સમાજ સમક્ષ “દીકરો-દીકરી સમાન”ના આદર્શને જીવંત કર્યો હતો.
અંતિમવિધિમાં દીકરાઓ પિતાને કાંધ આપી
પરંપરાગત રીતે અંતિમવિધિમાં દીકરાઓ કાંધ આપતા હોય છે તથા અગ્નિદાહ કરવાની જવાબદારી પણ પુત્રો જ નિભાવતા હોય છે. પરંતુ આ ઘટનાએ સાબિત કર્યું કે, દીકરીઓ પણ એટલી જ સક્ષમ છે અને તેઓ પોતાના માતાપિતા માટે દરેક ફરજ નિભાવવા તૈયાર છે. ધનજીભાઈને કોઈ દીકરો નથી, પાંચ દીકરીઓએ જ છે.
અંતિમયાત્રા વખતે પાંચેય દીકરીઓએ એકસાથે પિતાના પાર્થિવદેહને કાંધ આપ્યો. પરંપરાના બંધનો તોડીને તેમણે સમાજને હૃદયસ્પર્શી સંદેશ આપ્યો કે માતાપિતાની ફરજ નિભાવવામાં પુત્ર-પુત્રી વચ્ચે કોઈ ભેદભાવ ન હોવો જોઈએ. સ્મશાનભૂમિ સુધી પહોંચ્યા બાદ દીકરીઓએ જ અગ્નિદાહ કરીને પોતાના પિતાને અંતિમ વિદાય આપી. આ દ્રશ્યોએ ઉપસ્થિત સૌને ભાવુક કરી દીધા હતા.
આ પણ વાંચો: ગુજરાતમાં આ વર્ષે સિઝનનો 106 ટકા વરસાદ: 84 તાલુકામાં 40 ઇંચથી વધુ, કુલ 8357 લોકોનું સ્થળાંતર
ઘટનાસ્થળે ઉપસ્થિત સુથાર સમાજના અગ્રણીઓ અને વડીલો દીકરીઓની આ હિંમત, શ્રદ્ધા અને પિતાપ્રેમથી અત્યંત પ્રભાવિત થયા. તેમણે જાહેરમાં દીકરીઓની પ્રશંસા કરી અને આ ઘટનાને સમાજ માટે માર્ગદર્શક ગણાવી. આજના સમયમાં જ્યાં ઘણી વાર દીકરીઓને પાછળ ધકેલી દેવામાં આવે છે, ત્યાં આ ઘટનાએ સાબિત કર્યું કે દીકરીઓ દરેક જવાબદારીમાં પુત્ર કરતા કશું ઓછું નથી.
ધનજીભાઈએ પોતાની દીકરીઓને બાળપણથી જ ઉત્તમ સંસ્કારો આપ્યા હતા. આ જ સંસ્કારોનું પ્રતિબિંબ તેમના અંતિમ સંસ્કારમાં ઝળહળતું જોવા મળ્યું. દીકરીઓએ પિતાની અંતિમ ઈચ્છા પૂરી કરવા પોતાના કર્તવ્યને સર્વોપરી ગણાવ્યું. આ ઘટનાએ સમાજને એક અગત્યનો સંદેશ આપ્યો કે પ્રેમ, કર્તવ્ય અને માનવતા પરંપરા કરતા મોટા છે.
આ પણ વાંચો: સૌરાષ્ટ્ર-ઉત્તર ગુજરાતમાં ભારે વરસાદની આગાહી, કુલ 12 જિલ્લામાં ઍલર્ટ
સમાજના દરેક વર્ગ માટે આ ઘટના એક દિશાસૂચક છે. દીકરીઓ પ્રત્યે સકારાત્મક દૃષ્ટિકોણ વિકસાવવાની સાથે તેમને સમાન અવસર આપવાના મહત્ત્વ પર આ પ્રસંગે પ્રકાશ પાડ્યો છે. ખરેખર, ધનજીભાઈ સોનિગરાની અંતિમ વિદાય માત્ર એક પરિવાર માટે નહીં, પરંતુ સમગ્ર સમાજ માટે એક પ્રેરણાદાયક ક્ષણ બની છે.