મુંબઈ : વીજ સંચાલિત વાહનો પર ઈમ્પોર્ટ ટેરિફ ઘટાડવા ભારત સરકાર વિચારણા કરી રહી છે. આયાતી વીજ વાહનો પરના ટેરિફ દરમાં હાલમાં ઘટાડો નહીં કરવા વાહન ઉત્પાદકોની વિનંતીને સરકારે ધ્યાનમાં લીધી નહીં હોવાનું સરકારી સુત્રોએ જણાવ્યું હતું.
ભારતમાં વાહનો પર ૧૦૦ ટકા જેટલી ઊંચી આયાત ડયૂટી લાગુ કરવા બદલ અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા વારંવાર ભારતની કરાતી ટીકાને ધ્યાનમાં રાખી સરકાર વીજ વાહનો પરની ટેરિફ ઘટાડવા વિચારી રહી છે.
ટ્રમ્પના નજીકના સાથીદાર અને વીજ વાહન કંપની ટેસ્લાના સીઈઓ ઈલોન મસ્ક ભારતમાં પોતાના વાહનો દોડતા કરવા ઉત્સુક છે તેને ધ્યાનમાં રાખીને જ સરકાર ઈમ્પોર્ટ ડયૂટી ઘટાડવા વિચારી રહી હોવાનુ વાહન ઉદ્યોગના સુત્રો માની રહ્યા છે.
દેશના વાહન ઉદ્યોગને સરકારે અત્યારસુધી ઘણું રક્ષણ આપ્યું છે અને સરકાર હવે વાહન ઉદ્યોગને ખુલ્લો કરી ેદેવા માગે છે, એમ એક સરકારી અધિકારીએ જણાવ્યું હતું.
ભારત વિશ્વની ત્રીજી મોટી ઓટો માર્કેટ છે. વાહનો પરની ડયૂટી ઘટાડી ભારત સરકાર ટ્રમ્પ સાથે વેપાર સંબંધો વધારવાનો વ્યૂહ ધરાવે છે.
ભારતમાં વીજ વાહન ક્ષેત્ર હજુ પ્રારંભિક તબક્કામાં છે અને દેશની ઓટો કંપનીઓ વીજ વાહનોના ઉત્પાદન તરફ વળવા જંગી ઈન્વેસ્ટમેન્ટ કરી રહી છે ત્યારે ડયૂટીમાં કોઈપણ ઘટાડો ટેસ્લા માટે દેશમાં વાહનો ઠાલવવા સ્થિતિ સાનુકૂળ બનાવશે, જે ભારતની કંપનીઓ માટે પડકારરૂપ બની શકે છે.