S Jaishankar On BRICS summit : વિદેશ મંત્રી એસ. જયશંકરે આજે સોમવારે (8 સપ્ટેમ્બર) BRICS સંમેલનમાં ટ્રમ્પને ટોળો માર્યો હતો. જયશંકરે કહ્યું કે, ‘આંતરરાષ્ટ્રીય વેપાર નીતિ નિષ્પક્ષ અને પારદર્શક હોવા જોઈએ. વેપાર નીતિ તમામ દેશના વિકાસ અને લાભ માટે હોવી જોઈએ, જેનાથી સમાનતા રહે.’
એસ. જયશંકરે શું કહ્યું?
વર્ચુઅલ BRICS બેઠકમાં એસ. જયશંકરે કહ્યું કે, ‘વૈશ્વિક સ્તરે આર્થિક વ્યવહારનો ઉદ્દેશ્ય ફક્ત થોડા દેશોને લાભ આપવાનો નહીં, પરંતુ બધા માટે ટકાઉ અને સમાવિષ્ટ વિકાસ સુનિશ્ચિત કરવાનો હોવો જોઈએ.’ બ્રાઝિલના રાષ્ટ્ર પ્રમુખ લુઈસ ઈનાસિયો લુલા દા સિલ્વા દ્વારા આયોજિત સમિટમાં, વિદેશ મંત્રી જયશંકરે કહ્યું કે, ‘ભારતનું માનવું છે કે આંતરરાષ્ટ્રીય વેપારનો માર્ગ ખુલ્લો, ન્યાયી, સ્વચ્છ અને ભેદભાવ રહિત હોવો જોઈએ. આ નિયમોનું હંમેશા રક્ષણ કરવું જોઈએ.’
તેમણે તમામ દેશોને સાથે મળીને રચનાત્મક અને સહયોગાત્મક દ્રષ્ટિકોણ અપનાવવા અપલી કરી છે. વર્તમાન સમયે વૈશ્વિક વેપારને સતત અને ટકાઉ બનાવવાની જરૂર છે, જેથી વિશ્વની અર્થવ્યવસ્થા સ્થિર રીતે આગળ વધે.
વૈશ્વિક વેપારમાં અવરોધો ઉભા કરવાથી કોઈ ફાયદો નથી
જયશંકરે પોતાના સંબોધનમાં કહ્યું હતું કે, ‘વૈશ્વિક વેપારમાં અવરોધો ઉભા કરવાથી અને વ્યવહારોને જટિલ બનાવવાથી કોઈ ફાયદો થશે નહીં. વધુ અવરોધો ફક્ત વેપારને નુકસાન પહોંચાડશે. આપણો ઉદ્દેશ્ય વધુ સ્થિતિસ્થાપક, વિશ્વસનીય, વૈકલ્પિક અને ટૂંકી સપ્લાય ચેઇન બનાવવાનો હોવો જોઈએ, જેથી કોઈપણ આંચકાનો સામનો કરી શકાય.’
આ પણ વાંચો: સોશિયલ મીડિયા માટે નેપાળમાં ઠેર ઠેર હિંસા: 19ના મોત, 250 ઈજાગ્રસ્ત, ગૃહમંત્રીનું રાજીનામું
વિદેશ મંત્રી જયશંકરે જણાવ્યું હતું કે, ‘BRICS દેશો સાથે ભારતનો સૌથી મોટો વેપાર ખાધ છે. ભારત સમયસર ઉકેલ માટે સતત પ્રયત્નશીલ છે. આજની બેઠકમાં આ વિષય પર મહત્ત્વપૂર્ણ સમજૂતી થશે. આંતરરાષ્ટ્રીય વેપાર પ્રણાલીનો આધાર ખુલ્લાપણું, નિષ્પક્ષતા, સમાવેશકતા, સમાનતા અને નિયમ-આધારિત દ્રષ્ટિકોણ પર આધાર રાખે છે, જેમાં વિકાસશીલ દેશો માટે ખાસ અને ભેદભાવ વિનાની જોગવાઈઓ શામેલ છે.’