શહેરમાં ઠેર ઠેર રસ્તાઓમાં મસમોટા ખાડાઓ પડતા લોકોને બિસ્માર રસ્તાઓનો સામનો કરવો પડી રહ્યો છે. કમરતોડ રસ્તાઓનાં કારણે વાહન ચાલકોને હાલાકી ભોગવવાનો વખત આવતા તાત્કાલીક રસ્તાઓનું સમારકામ કરવાની માંગ ઉઠવા પામી છે.
શહેરમાં રીધમ હોસ્પિટલથી હરણી માર્ગ, વિહાર ટોકીઝથી ગાજરાવાડી માર્ગ, ગદા સર્કલથી દેણા ચેકપોસ્ટ માર્ગ, કલાલી ગામ મુખ્ય માર્ગ, પંડ્યા બ્રિજથી રેલ્વે સ્ટેશન માર્ગ સહિતના અનેક માર્ગોનું ધોવાણ થતા મસમોટા ખાડા પડ્યા છે. ઠેર ઠેર રસ્તા પર કરવામાં આવેલ પેચવર્ક ગણતરીના દિવસોમાં ફરી હતા ન હતા તેવા થઈ ગયા છે. ખાડા અને ગુણવત્તા વિહીન પેચવર્કની કામગીરીથી માર્ગો ઉબડખાબડ બન્યા છે. વાહનોના નટબોલ્ટ ઢીલા કરતા કમરતોડ રસ્તાઓના કારણે ખાસ કરીને વાહનચાલકો ભારે પરેશાન થઈ રહ્યા છે. રાત્રિના સમયે માર્ગ ઉપરના ખાડા નજરે ન ચડતા વાહનચાલકોને અકસ્માતની ભીતિ સતાવે છે. આ ઉપરાંત શહેરમાં પ્રવેશતા અને આસપાસના હાઈવે ઉપર પણ માર્ગ પરના મોટા ખાડાઓ અકસ્માતને નોતરું આપી રહ્યા છે. ઓવરબ્રિજો ઉપર પણ રોડનું કાર્પેટિંગનું ધોવાણ થયું છે. ખખડધજ રસ્તાઓનું યોગ્ય સમારકામ કરવામાં આવે તેવું જાગૃત લોકો ઇચ્છી રહ્યા છે.