Ahmedabad News : રખિયાલમાં સોનેરિયા બ્લોક નજીક રામદેવપીરના મંદિરમાં ધાર્મિક સૂત્રોચ્ચાર કરતાં એક યુવકે મૂર્તિઓની તોડફોડ કર્યા બાદ આજે બુધવારે (10 સપ્ટેમ્બર) સવારે બાપુનગરમાં તણાવ ફેલાયો હતો. આરોપીએ રામદેવીપીરની મૂર્તિ ખંડિત કરવાનો પ્રયાસ કર્યો હતો. સમગ્ર ઘટનાને લઈને મંદિરના પૂજારી અને સ્થાનિક સહિતના લોકો એકઠા થઈ ગયા હતા, અને યુવકને ઝડપીને બાપુનગર પોલીસને હવાલે કર્યો હતો. આ મામલે પોલીસે ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે, ત્યારે સ્થાનિકો અને વિશ્વ હિન્દુ પરિષદ (VHP)ના કાર્યકરોએ સમગ્ર મામલે કડક કાર્યવાહી કરવાની માગ કરી છે.
અમદાવાદમાં રામદેવપીર મંદિરના તોડફોડ
પોલીસના જણાવ્યા અનુસાર, આ ઘટના આજે (10 સપ્ટેમ્બર) વહેલી સવારે બની હતી. જ્યારે આરોપી મંદિર પરિસરમાં ઘૂસી ગયો હતો અને મૂર્તિને નુકસાન પહોંચાડ્યું હતું. જેમાં ઘટનાસ્થળે એકઠા થયેલા સ્થાનિક લોકોએ તેને પકડી પાડ્યો હતો. આરોપીનું નામ રઝાક આલમ હોવાનું સામે આવ્યું છે. આરોપીના આ કૃત્ય કરવા પાછળનો હેતુ જાણવા માટે તેની પૂછપરછ કરવામાં આવી રહી છે. જ્યારે ક્ષતિગ્રસ્ત મૂર્તિ સુરક્ષિત કરવામાં આવી છે, અને તેને બદલવાની વ્યવસ્થા કરવામાં આવી રહી છે.
અધિકારીએ જણાવ્યું હતું કે, બીજી તરફ, ઘટનાને લઈને કોઈપણ અનિચ્છનીય બનાવ ન બને તે માટે પોલીસે વિસ્તારમાં વધારાના કર્મચારીઓ તૈનાત કરી દીધા છે. જોકે, હાલ પરિસ્થિતિ નિયંત્રણમાં છે, અને આરોપી કસ્ટડીમાં છે. આ મામલે જરૂરી કાનૂની કાર્યવાહી કરવામાં આવી રહી છે.
આ પણ વાંચો: હાર્દિક પટેલ વિરૂદ્ધ ધરપકડ વોરન્ટ ઇશ્યૂ, 2018માં ઉપવાસ આંદોલનને લઇને નોંધાયો હતો ગુનો
પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે, યુવક માનસિક સમસ્યાથી પીડાઈ રહ્યો હોવાનું જણાય છે. આ મામલે વધુ તપાસ ચાલી રહી છે. જ્યારે ઘટના અંગે સ્થાનિકોએ આક્રોશ વ્યક્ત કર્યો હતો, અને સમુદાયના સભ્યોએ તોડફોડ કરનારાઓ સામે કડક કાર્યવાહી કરવાની માગ કરી હતી.