Vadodara : સરકારની વીજ કંપની જીસેક (ગુજરાત સ્ટેટ ઈલેક્ટ્રિસિટી કોર્પોરેશન)માં હેલ્પરોની જગ્યા ભરવાની માગ સાથે ઉમેદવારોએ શરુ કરેલી ભૂખ હડતાળ બીજા દિવસે પણ યથાવત છે.
જીસેકમાં હેલ્પરોની 800 જગ્યા ભરવા માટે પરીક્ષા લેવાની માગ સાથે મંગળવારથી વડોદરા ખાતે જીસેકની હેડ ઓફિસ બહાર રાજ્યના વિવિધ જિલ્લાઓમાંથી આવેલા ઉમેદવારો ભૂખ હડતાળ પર ઉતર્યા છે. મંગળવારે સવારથી ભૂખ હડતાળ શરૂ કરનારા ઉમેદવારોની જીસેકના સત્તાધીશોએ નોંધ સુધ્ધા લીધી નહોતી. કંપનીનો કોઈ અધિકારી તેમની સાથે વાત કરવા પણ ગયો નહોતો. ઉમેદવારોએ ભૂખ હડતાળના સ્થળે જ રાત પસાર કરી હતી.
એ પછી આજે બીજા દિવસે પણ ઉમેદવારોએ ભૂખ હડતાળ યથાવત રાખી હતી. બપોરે કંપનીના સત્તાધીશોએ આંદોલનકારી ઉમેદવારોના પાંચ પ્રતિનિધિઓને મળવા માટે બોલાવ્યા હતા. ઉમેદવારોના કહેવા પ્રમાણે કંપનીના અધિકારીઓએ જગ્યા ભરવા માટે લેખિત બાંયધરી આપવાનો ઈનકાર કરી દીધો છે. અધિકારીઓએ વાતચીતમાં કહ્યું હતું કે, કંપનીને જેમ જરૂર પડશે તે રીતે જગ્યા ભરશે.
ઉમેદવારોએ કહ્યું હતું કે, અમને કંપની તરફથી લેખિત ખાતરી જોઈએ છે અને તેના વગર અમે અહીંથી હટવાના નથી. અમારી હડતાળ ચાલુ જ રહેશે.
ઉમેદવારો અને જીસેકના સત્તાધીશો એક બીજાને મચક આપવા તૈયાર નથી અને તેના કારણે આ આંદોલન લાંબુ ચાલે તેમ લાગી રહ્યું છે.