વડોદરા, તા.16 વડોદરા નજીક સમિયાલાની જમીન વેચવાના બહાને મહિલા સાથે વાઘોડિયારોડના શખ્સે રૃા.૬૬.૫૦ લાખની ઠગાઇ કરી હતી.
સમિયાલા નજીક લક્ષ્મીપુરામાં નુતનનગર સોસાયટીમાં રહેતી સુનિતા રણજીતભાઇ રાજપુતે તાલુકા પોલીસ સ્ટેશનમાં ધવલ જગદીશ ઉપાધ્યાય (રહે.ત્રિલોકનગર, વાઘોડિયારોડ) સામે નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું છે કે અમારી સમિયાલા ગામની સીમમાં ૩૧૩૬ ચો.મી. ખેતીની જમીન હોવાથી તેને વેચાણ આપવાનું નક્કી કર્યું હતું. દલાલો દ્વારા ધવલ ઉપાધ્યાયનો સંપર્ક થયો હતો. જમીન રૃા.૨.૭૦ કરોડમાં વેચાણ આપવાનું નક્કી કરી ડિસેમ્બર-૨૦૨૩માં સબ રજિસ્ટ્રાર કચેરીમાં કબજા વગરનું બાનાખત કર્યું હતું.
બાદમાં ધવલ ઉપાધ્યાયની અલકાપુરીમાં સિધ્ધાર્થ કોમ્પ્લેક્સ ખાતેની ઓફિસમાં દસ્તાવેજ કરવા માટે હું વારંવાર મળવા જતી હતી. ત્યારબાદ ધવલે જમીનના વધુ ભાવ મળશે તેમ જણાવી જમીનના અન્ય બાનાખતો કર્યા હતાં. બાદમાં ધવલે પોતાનું બાનાખત રદ કરવા માટે અન્ય લોકો પાસેથી મોટી રકમ પડાવી હતી. જમીનનો દસ્તાવેજ કર્યા બાદ જે રકમ મળી તે રકમ પણ ધવલે પડાવી લીધી હતી. બાનાખત રદ કરાવવા માટે વિક્રમ ભરવાડ પાસે રૃા.૧.૫ લાખ, ઠાકોર ચૌહાણ પાસે રૃા.૫ લાખ, મુકેશ ઠકકર પાસે રૃા.૫ લાખ અને દસ્તાવેજ બાદ આવેલી રકમ પણ મેળવી કુલ રૃા.૬૬.૫૦ લાખ પડાવી લીધા હતાં.