વડોદરા, તા.10 સાવલી તાલુકાના ટુંડાવ ગામે ૩૮ વર્ષની પરિણીતાએ ૧૯ વર્ષના યુવાનને પ્રેમ સંબંધ રાખવા દબાણ કરતા માનસિક ત્રાસથી કંટાળી યુવાને તળાવમાં ઝંપલાવી આપઘાત કરી લીધો હતો.
ટુંડાવ ગામમાં ચૌહાણવગામાં રહેતા ઇમ્તિયાઝ છત્રસિંહ ચૌહાણે ગામમાં જ રહેતી પરિણીતા સલમા હમીદ પઠાણ સામે મંજુસર પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું છે કે મારો પુત્ર એઝાજ (ઉ.વ.૧૯) લામડાપુરારોડ પર આવેલી ખાનગી કંપનીમાં નોકરી કરતો હતો. બે માસ પહેલાં પુત્રે મને જણાવેલ કે મારે અગાઉ કંપનીમાં કામ કરતી આપણા ગામની સલમા સાથે પ્રેમસંબંધ હતો પરંતુ તે મોટી ઉંમરની હોવાથી મેં ના પાડી દીધી હતી તેમ છતાં તે મને ખૂબ દબાણ કરે છે જે અંગેનો વોટ્સએપ પર સલમાનો વોઇસ મેસેજ પણ મને સંભળાવ્યો હતો.
બાદમાં સલમાના ઘેર જઇને તેની સાસુ તેમજ અન્યને વાત કરતા તે સમયે સલમાએ મારે કોઇ પ્રેમસંબંધ નથી તેમ કહ્યુ હતું. તા.૩ના રોજ મારો પુત્ર નોકરી પર ગયો હતો ત્યારબાદ તેનો ફોન બંધ આવતા તપાસ હાથ ધરી ત્યારે પાલડી ગામની સીમમાં તળાવ પાસે તેનું મોપેડ તેમજ તળાવમાં તરતા ચંપલ મળ્યા હતાં. થોડા સમયમાં એઝાજની લાશ પણ તળાવમાંથી મળી હતી. અમે એઝાજનો ફોન ચેક કર્યો તો એઝાજે સલમાના પતિ હમીદને એઝાજ અને સલમા કિસ કરતો ફોટો મોકલ્યો હતો અને સલમાના કારણે પોતે મરી જતો હોવાનો વોઇસ મેસેજ મોકલ્યો હતો તે જણાયું હતું.
એઝાજના વોઇસ મેસેજમાં સલમા મને ધમકી આપ્યા કરે છે તેના કારણે જ હું મરી જાઉં છું. તેવો ઉલ્લેખ હતો. ઉપરોક્ત વિગતોની ફરિયાદના પગલે પોલીસે સલમાની ધરપકડના ચક્રો ગતિમાન કર્યા છે.