Shashi Tharoor On Dhaka University Student Union elections : જમાત-એ-ઇસ્લામી સાથે જોડાયેલા વિદ્યાર્થી સંગઠન ઇસ્લામી છાત્ર શિબિર (ICS)એ ઢાકા યુનિવર્સિટી વિદ્યાર્થી સંઘની ચૂંટણીમાં મોટી જીત મેળવી છે. 1971માં બાંગ્લાદેશની સ્વતંત્રતા પછી આ પહેલી વાર છે, જ્યારે કોઈ ઇસ્લામી વિદ્યાર્થી જૂથે યુનિવર્સિટીની ચૂંટણી જીતી છે. કોંગ્રેસના સાંસદ શશિ થરૂરે તેને અત્યંત ગંભીર ગણાવ્યું છે. તેમણે લખ્યું કે, ‘આ ઘટના ભારતીયો માટે નાના સમાચાર જેવી લાગી શકે છે, પરંતુ તેના પરિણામો દૂરગામી હોઈ શકે છે. શું ભારતનો સૌથી મોટો દુશ્મન સત્તામાં આવશે અને આપણે તેનો સામનો કરવો પડશે?’
શશિ થરૂરે શું કહ્યું?
શશિ થરૂરે સોશિયલ મીડિયા માધ્યમ X પર લખ્યું કે, ‘બાંગ્લાદેશની બંને મુખ્ય પાર્ટીઓ અવામી લીગ અને બાંગ્લાદેશ નેશનલ પાર્ટીથી રોષ વધી રહી છે. લોકોનું કહેવું છે કે, બંને પક્ષ ભષ્ટ્રાચાર અને કુપ્રશાસનમાં ડૂબેલા છે. જેના કારણે હવે વોટર જમાત-એ-ઇસ્લામી તરફ જઈ રહ્યા છે. એ જરૂરી નથી કે, તેઓ ધાર્મિક કટ્ટરપંથી છે. પરંતુ કારણ કે જમાત હજુ પણ ભ્રષ્ટાચારના ડાઘથી અસ્પૃશ્ય છે. ફેબ્રુઆરી 2026માં થનારી ચૂંટણીમાં આ કેવી રીતે અસર પાડશે? શું નવી દિલ્હીને તેની સરહદે આવેલા દેશમાં જમાતના નેતૃત્વ હેઠળની બહુમતી સરકારનો સામનો કરવો પડશે?’
ભારત માટે ચિંતા કેમ?
જમાત-એ-ઇસ્લામને ભારત ઘણા સમયથી શંકાની નજરે જોતું આવ્યું છે. 1971ના બાંગ્લાદેશ મુક્તિ સંગ્રામ દરમિયાન આ સંગઠન પર પાકિસ્તાની સેનાનું સમર્થન કરવાનો આરોપ લગાવામાં આવ્યો હતો. આ ઉપરાંત, તેના પર ભારત વિરોધ પ્રવૃત્તિઓ અને આતંકી નેટવર્કને સમર્થન આપવાના પણ અનેક આરોપ લગાવામાં આવ્યા હતા. તેવામાં જો આ સંગઠન સામાન્ય ચૂંટણીમાં મોટી તાકાત બનીને ઉભરે છે તો ભારતની પૂર્વીય સરહદ પર સુરક્ષાને લઈને મુશ્કેલી વધી શકે છે.
આ પણ વાંચો: ‘ઈઝરાયલે વિશ્વાસઘાત કર્યો, ગુસ્સો વ્યક્ત કરવા માટે શબ્દો નથી’, કતારના વડાપ્રધાન અલ-થાનીનું નિવેદન
વિશ્લેષકોનું માનવું છે કે, બાંગ્લાદેશમાં જનતા બંને પરંપરાગત પક્ષોથી મોહભંગ થઈ ગઈ છે. ચાલી રહેલા ભ્રષ્ટાચાર, બેરોજગારી અને ફુગાવાએ મતદારોને વિકલ્પો શોધવા માટે મજબૂર કર્યા છે. જેમાં જમાત-એ-ઇસ્લામી આ ખાલી જગ્યા ભરવાનો પ્રયાસ કરી રહી છે. ભૂતપૂર્વ વડાપ્રધાન ખાલિદા ઝિયાની પાર્ટી બીએનપીએ ચૂંટણી પરિણામોને સંપૂર્ણપણે નકારી કાઢ્યા છે અને કહ્યું છે કે આ પરિણામો આયોજિત હેરાફેરીનું પરિણામ છે અને સમગ્ર ચૂંટણીને એક મજાક ગણાવી છે. જોકે, નિરીક્ષકો માને છે કે આ પરિણામો બાંગ્લાદેશના રાજકારણમાં નવા સમીકરણો તરફ ઈશારો કરી રહ્યા છે.