વડોદરા, તા.11 ઇંટોલા ચોકડી પાસેથી ઝડપાયેલા દારૃના ગુનામાં છેલ્લા સાત વર્ષથી ફરાર આરોપી મધ્યપ્રદેશથી તેના સાળાને મળવા પોર પાસે આવતા જ તેને ઝડપી પાડવામાં આવ્યો હતો.
આ અંગેની વિગત એવી છે કે વર્ષ-૨૦૧૮માં જિલ્લા પોલીસે ઇંટોલા ચોકડી પરથી દારૃનો જથ્થો ભરેલી ફોર વ્હિલ ગાડી ઝડપી પાડી હતી. જે અંગેનો ગુનો વરણામા પોલીસ સ્ટેશનમાં નોધાયા બાદ હુકા તેલીયા ઉર્ફે રાયસિંગ વસાવા (રહે.કાલાખેત ફળિયા, ગોંદવાની, તા.સોન્ડવા, જિલ્લો અલીરાજપુરા, મધ્યપ્રદેશ) ફરાર હતો. તેને ઝડપી પાડવા માટે વરણામા પોલીસ દ્વારા ગોંદવાનીમાં તપાસ કરાવતા તે ગામમાં રહેતો નહી હોવાનું જાણવા મળ્યું હતું.
તે સૌરાષ્ટ્રમાં મજૂરી કરે છે તેવી વિગતો બહાર આવી હતી અને તેનો સાળો સોમા શંકર કણાશીયા પોરમાં કામ કરે છે તેને વારંવાર મળવા માટે આવતો હોય છે તેવી માહિતી જાણવા મળી હતી. દરમિયાન હુકાભાઇ તેલીયા સાળાને મળવા માટે આવે છે તેવી બાતમીના આધારે ઇંટોલા ચોકડી પાસે પોલીસે વોચ ગોઠવી તેને ઝડપી પાડયો હતો.