Vapi : વાપીના ડુંગરી ફળિયામાં 11 વર્ષિય કિશોરી સાથે શારિરીક અડપલા કરી દુષ્કર્મ કરવાના કેસમાં વાપી એડિશનલ સેશન્સ કોર્ટે વિધર્મી વૃદ્ધ આરોપીને જીવનના અંતિમ શ્ર્વાસ સુધી (આજીવન કેદ) કેદની સજા ફટકારતો મહત્વનો ચુકાદો આપ્યો છે. કોર્ટે દંડના રૂ.90 હજાર અને રૂ.6 લાખ મળી કુલ રૂ.6.90 લાખ પિડિતાને ચુકવવા પણ આદેશ કર્યો છે.
કેસની વિગત એવી છે કે વાપીના ડુંગરી ફળિયામાં એક પરપ્રાતિય પરિવાર રહે છે. આ પરિવારની 11 વર્ષિય કામિની (નામ બદલ્યું) ગત મે-2022માં નજીકમાં અસરઅલી ઉર્ફે લંબુ ચાચા જેનુલ્લા ખાનની દુકાને ગઇ હતી. તે દરમિયાન લીંબુ ચાચાએ કામિનીને બિસ્કિટ આપવાના બહાને દુકાનમાં બોલાવી હતી. કામવાસનામાં ચકચાર વૃદ્ધ લંબુ ચાચાએ કામિની છાતિ અને ગુપ્તાંગના ભાગે અડપલા કરી ખોટુ કામ કર્યું હતું. બાદમાં કામિની ઘરે ગઇ હતી. કામિની ગભરાયેલા લાગતા બહેને પુચ્છતા તેણે લંબુ ચાચાના કૃત્યની જાણ કરી હતી. બાદ પરિવારને જાણ થતા મામલો પોલીસ મથકે પહોંચતા પોલીસે દુષ્કર્મનો ગુનો નોંધી આરોપીની ધરપકડ કરી હતી.
પોલીસે આરોપીને કડક સજા થાય તે માટે સજ્જડ પુરાવા સાથે ચાર્જશીટ પણ રજૂ કરી દીધી હતી. વાપી એડિશનલ સેશન્સ કોર્ટમાં હાથ ધરાયેલી સુનાવણીમાં ડીજીપી અનિલ ત્રિપાઠીએ પિડિતા સહિત અનેક લોકોની જુબાની સાથે પુરાવા રજૂ કરી અનેક પાસા પર દલીલો કરી હતી. કોર્ટના સ્પેશિયલ જજ ટી.વી.આહુજાએ આરોપીને તકસીરવાર ઠેરવી જીવનના અંતિમ શ્ર્વાસ સુધી (આજીવન કેદ) ની સજા ફટકારતો ચુકાદો આપ્યો છે. ત્રણ કલમ હેઠળ કુલ રૂ.90 હજારનો દંડ પણ કરાયો છે. આરોપી દંડની રકમ ભરે તો દંડની રકમ ઉપરાંત રૂ.6 લાખ મળી રૂ.6.90 લાખ પિડિતાને ચુકવવા આદેશ કર્યો છે.