– માતરના દલોલી રોડ ઉપર
– તારાપુરના કાનાવાડાના વેપારીનું ઘટના સ્થળે જ મૃત્યુ નિપજ્યું
નડિયાદ : માતરના દલોલી- કાનાવાડા રોડ ઉપર રિક્ષા પલટી જતા ઘઉંના વેપારીનું ઘટના સ્થળે જ મોત નિપજ્યું હતું. આ બનાવ અંગે લીંબાસી પોલીસે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે.
તારાપુર તાલુકાના કાનાવાડામાં રહેતા ધનાભાઈ ગગાભાઈ ડોડિયા તારાપુર ઘઉંનો વેપાર કરે છે. તેઓ તા.૭/૪/૨૫ની સાંજે રિક્ષામાં બેસી જઈ રહ્યા હતા. દરમિયાન રીક્ષા દલોલી રોડ પલટી ખાઈ ગઈ હતી. જેથી રિક્ષામાંથી પટકાયેલા ધનાભાઈ ડોડીયા ઉંમર વર્ષ ૬૭ને માથામાં તેમજ શરીર પર ગંભીર ઈજા થતાં તેમનું ઘટના સ્થળે જ મોત નિપજ્યું હતું.
આ બનાવ અંગે સુરેશભાઈ મકનભાઈ ડોડીયાની ફરિયાદના આધારે લીંબાસી પોલીસે રીક્ષા ચાલક સામે ગુનો નોંધી કાયદેસર કાર્યવાહી હાથ ધરી હતી.