વડોદરાઃ એમ.એસ.યુનિવર્સિટી કેમ્પસમાં હંસા મહેતા લાઈબ્રેરી પાસે આવેલા કોફી સ્ટોલ નજીક થયેલી મારામારીએ યુનિવર્સિટીની સુરક્ષા વ્યવસ્થા પર ગંભીર સવાલો ઉઠાવ્યા છે.
આ સમગ્ર મામલા અંગે બોયઝ હોસ્ટેલમાં રહેતા અને આર્ટસ ફેકલ્ટીમાં ભણતા મહિપાલ ગઢવીએ પોલીસને કહ્યું હતું કે, ગઈકાલે બપોરે આર્ટસ ફેકલ્ટીમાં ઈંગ્લીશનું પેપર આપી હું હંસા મહેતા લાઇબ્રેરી પાસે કોફી સ્ટોલની બહાર ઊભો હતો.નજીકમાં જ વાસુ નામનો વિદ્યાર્થી અને તેના મિત્રો પણ ઉભા હતા.વાસુએ મારી સામે શું જુએ છે એમ કહી મારી સાથે ઝઘડો કર્યો હતો. તેના બે મિત્રોમાંથી એક જણાએ મને પકડી રાખ્યો હતો ત્યારે વાસુએ પટ્ટો કાઢીને મને ફટકારતા માથામાંથી લોહી નીકળ્યું હતું. ત્યારબાદ તે હવે પછી કોલેજમાં દેખાઈશ તો ઠાર મારી નાખીશ એવી ધમકી આપી હતી.
આ મારામારી બાદ આજે ઈજાગ્રસ્ત વિદ્યાર્થી સાથે આર્ટસ ફેકલ્ટીના અન્ય વિદ્યાર્થીઓએ એક કલાક સુધી ફેકલ્ટી ડીનનો ઘેરાવો કર્યો હતો.વિદ્યાર્થીઓએ કહ્યું હતું કે,મારામારી જ્યાં થઈ ત્યાં સીસીટીવી કેમેરા તુટેલા છે.જે રિપેર કરાવવાની તસ્દી કોઈ લેતું નથી.કેમેરા ચાલુ નહીં હોવાથી પોલીસને ફૂટેજ મળ્યા નથી.વિદ્યાર્થીઓએ મચાવેલા હોબાળાના કારણે ફેકલ્ટી ડીનને જવાબ આપવાનો ભારે પડી ગયો હતો.એ પછી સીસીટીવી કેમેરા ચાલુ કરાવાશે તેવું પોકળ આશ્વાસન વિદ્યાર્થીઓને આપીને ડીને અને બીજા અધ્યાપકોએ વિદ્યાર્થીઓને શાંત પાડયા હતા.
મારામારી થઈ ત્યારે નજીકમાં ઉભેલા સિક્યુરિટી જવાનોએ તમાશો જોયો
વિદ્યાર્થીઓએ ગંભીર આક્ષેપ કરતા કહ્યું હતું કે, મારામારી થઈ ત્યારે ત્રણ સિક્યુરિટી જવાનો ત્યાં મોજૂદ હતા.તેમણે હુમલો કરનારને અટકાવવાની જગ્યાએ તમાશો જોયો હતો.પટ્ટા વડે મહિપત ગઢવીને મારનાર વાસુ ફરાર થઈ ગયો ત્યારે પણ તેને પકડવાની કોશિશ કરી નહોતી.સિક્યુરિટી ઓફિસર પણ કેમ્પસમાં ભાગ્યે જ દેખાય છે.યુનિવર્સિટીમાં વિદ્યાર્થીઓની સલામતી નથી અને અધિકારીઓ એસી ચેમ્બરોમાં બેસીને જલ્સા કરે છે.નવા વાઈસ ચાન્સેલરને સિક્યુરિટી વ્યવસ્થા કેટલી હદે કથળી ગઈ છે તેની જાણકારી પણ કદાચ કોઈ અધિકારીએ આપી નથી.