વડોદરાઃ જીપીએસસી દ્વારા તા.૧૩ સપ્ટેમ્બર, રવિવારે વડોદરા સહિત સમગ્ર ગુજરાતમાં મહેસૂલી તલાટીની પ્રિલિમ પરીક્ષા લેવામાં આવશે.વડોદરામાં ૧૭૩ કેન્દ્રો પર ૫૪૩૧૦ ઉમેદવારો પરીક્ષા આપવાના છે.
મળતી જાણકારી પ્રમાણે ડીઈઓ કચેરી, કલેકટર કચેરી, પોલીસ તંત્રના ૨૦૦૦ કરતા વધારે કર્મચારીઓ અને અધિકારીઓ આ પરીક્ષામાં ફરજ બજાવશે.પરીક્ષા ૨ થી પાંચમાં લેવામાં આવશે પરંતુ પરીક્ષા કેન્દ્રો પર ઉમેદવારોને સવારે ૧૧ વાગ્યા બાદ ઉમેદવારોના કોલ લેટર ચકાસીને તેમજ બાયોમેટ્રિક વેરિફિકેશન કરીને પ્રવેશ આપવાનું શરુ કરાશે.
પરીક્ષાના પેપરો પણ સ્ટ્રોંગરુમમાં પહોંચાડી દેવાયા છે અને પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે.મધ્ય ગુજરાત વીજ કંપનીને પણ પરીક્ષા દરમિયાન વીજ પૂરવઠો ના ખોરવાય તેની તાકીદ કરામાં આવી છે.જીપીએસસીના પ્રતિનિધિઓ ઉપરાંત ક્લાસ -૧ અને ક્લાસ- ૨ સરકારી અધિકારીઓ દરેક પરીક્ષા કેન્દ્રો પર નજ રાખશે.સાથે સાથે નાયબ મામલતદાર કક્ષાના અધિકારીઓને પણ તકેદારી સુપરવાઈઝર તરીકેની ફરજ સોંપવામાં આવી છે.દરેક પરીક્ષા કેન્દ્ર પર સવારે નવ વાગ્યાથી પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવશે.સ્ટ્રોંગરુમમાંથી પરીક્ષા કેન્દ્રો સુધી હથિયારધારી પોલીસ બંદોબસ્ત હેઠળ પેપરો પહોંચાડવામાં આવશે.
બહારગામથી આવનારા ઉમેદવારો માટે ૧૦૦ એસટી બસો મૂકવામાં આવી
વડોદરામાં અમદાવાદ, છોટાઉદેપુર અને દાહોદ જેવા શહેરોમાંથી ઉમેદવારો પરીક્ષા આપવા આવવાના છે.વડોદરા એસટી ડિવિઝન દ્વારા ઉમેદવારોને ધ્યાનમાં રાખીને ૧૦૦ જેટલી એસટી બસો ફાળવવામાં આવી છે.છેલ્લી ઘડીએ દોડધામ ટાળવા માટે ઘણા ઉમેદવારો આજે સાંજથી વડોદરામાં પહોંચવા માંડયા હતા અને તેના કારણે વડોદરા સેન્ટ્રલ એસ ટી ડેપો પર રોજ કરતા વધારે ભીડ અને ચહલ પહલ જોવા મળી હતી.