– એજ્યુકેશન લોન માટે વિદ્યાર્થીઓની સંખ્યા વધી
– સ્ટુડન્ટ લોન, સ્કોલર લોન, મેડિકલ લોન અને એબ્રોડ લોન લેવામાં વિદ્યાર્થીનો ધસારો : તગડી ફી ઉઘરાવતી શૈક્ષણિક સંસ્થાઓ સામે વાલી લાચાર
ભાવનગર : મોંઘાદાટ શિક્ષણને હાંસલ કરવા દરેક પરિવાર માટે શક્ય નથી ત્યારે બેન્કની એજ્યુકેશન લોન મદદરૂપ બને છએ. ગુજરાતમાં ૩ વર્ષમાં ૨૩૦૦ કરોડની એજ્યુકેશન લોન અપાય છે. જ્યારે છેલ્લા દોઢ વર્ષમાં ભાવનગરના ૨૨૦થી વધુ વિદ્યાર્થીઓએ ૫૦ કરોડ એજ્યુકેશન લોન મેળવી હોવાનું જણાયું છે.
દિવસે દિવસે અભ્યાસ મોંઘો થતો જાય છે અને નવી નવી ઇન્સ્ટીટયુટની મસમોટી ફી ભરવી એ દરેક પરિવાર માટે સરળ પણ નથી. જ્યારે ધો.૧૨ બાદ એન્જિનિયરીંગ કે મેડિકલ ક્ષેત્રે કારકિર્દી બનાવવા સરકારી કોલેજો સરળ બને પરંતુ ખાનગી કોલેજોના પગથીયા ચડવા પણ મુશ્કેલ બની જાય છે ત્યારે બેન્કની એજ્યુકેશન લોન સહાયરૂપ બની શકે છે. હાલની યુવા પેઢી જાગૃત બની છે અને શિક્ષણ લેતી થઇ છે. ભાવનગર એસબીઆઇના સુત્રો પાસેથી મળતી વિગતો મુજબ વર્ષ ૨૪-૨૫ અને વર્ષ ૨૫-૨૬ના દોઢ વર્ષના સમયગાળામાં ૨૨૦થી વધુ વિદ્યાર્થીઓએ સ્ટુડન્ટ લોન, સ્કોલર લોન, મેડિકલ લોન અને એબ્રોડ લોન પેટે ૫૦ કરોડની સહાય મેળવી છે. જો કે, એજ્યુકેશન લોનનો ઉપયોગ મોટાભાગના વિદ્યાર્થીઓ વિદેશમાં અભ્યાસ માટે કરતા હોય છે. લેવલ બેન્કર્સ કમિટીના અહેવાલ પ્રમાણે વિદ્યાર્થીઓએ ત્રણ વર્ષમાં ગુજરાતમાંથી ૨૩૦૦ કરોડની લોન લીધી છે. વધુમાં મળતી વિગતો મુજબ એજ્યુકેશન લોનમાં ચાર ડિપાર્ટમેન્ટ છે જેમાં સ્ટુડન્ટ લોન ૭.૫૦ લાખની, સ્કોલર લોન જે આઇઆઇટી કે એનઆઇટી માટે ૦ થી ૫૦ લાખ સુધીની હોય છે. મેડિકલ લોન એક કરોડ સુધીની તો એબ્રોડ માટે ૩ કરોડની લીમીટ હોવાનું જણાય છે જેના નિયમો મુજબ સિક્યુરિટી ધોરણો પણ લાગુ થતા હોય છે. જો કે, આ લોન સીધી જે-તે ઇન્સ્ટીટયુટને તબક્કાવાર ફાળવવામાં આવે છે અને અભ્યાસ પૂર્ણ કર્યાં બાદ નિયત સમય મર્યાદામાં ઉમેદવારને નોકરી મળ્યે ભાઇઓ માટે હાલ ૯.૧૫% અને બહેનો માટે ૮.૬૫% રેટ પ્રમાણે હપ્તા પરત કરવાના હોય છે. આમ અભ્યાસ માટે આ એજ્યુકેશન લોન આશિર્વાદરૂપ સાબિત થાય છે. પરંતુ સામાપક્ષે આટ આટલો અભ્યાસ અને ખર્ચ કર્યાં બાદ પણ વિદ્યાર્થી ઉમેદવારોને જોઇએ તેવી નોકરી મળતી ન હોવાના કેસો પણ ઘણા સામે આવ્યા છે.
વિદેશમાં અભ્યાસ અર્થે 100 યુનિ. માટે વિશેષ સુવિધા
મળેલી વિગતો મુજબ એબ્રોડ લોનમાં બેન્ક દ્વારા વિદેશની કુલ ૧૦૦ યુનિવર્સિટીની પસંદગી કરાઇ છે. જેમાં અભ્યાસ અર્થેની લોનમાં ૫૦ લાખ સુધી વિધાઉટ સિક્યુરીટી લોન થાય છે. જો કે, આટલી રકમમાં આ પ્રકારનો અભ્યાસ શક્ય નથી. આ ઉપરાંત એજ્યુકેશન લોનની સાથો સાથ ટયુશન ફી, રહેવા જમવાનો ખર્ચ, સાધન સહાય કે ફ્લાઇટ ટીકીટ માટેની પણ સહાય મળવાપાત્ર હોવાનું જણાયું છે.