Accident In Jaipur: રાજસ્થાનના જયપુરના શિવદાસપુરા વિસ્તારમાં રિંગરોડ પર મોટો અકસ્માત સર્જાયો છે. પૂરપાટ ગતિએ જઈ રહેલી કાર બેકાબૂ થઈને અંડર બાયપાસમાં ખાબકી, જેમાં 7 લોકોના કરૂણ મોત નીપજ્યા. મૃતકોમાં બે બાળકો અને બે મહિલાઓ પણ સામેલ છે. દુર્ઘટનામાં એક જ પરિવારના સાત લોકોના મોતના સમાચારથી મૃતકોના ગામ અને પરિવારમાં માતમ છવાયો છે.
મળતી માહિતી અનુસાર, કાલૂરામ પોતાના પરિવાર સાથે હરિદ્વારથી પરત ફરી રહ્યા હતા. તેઓ પોતાના પિતાની અસ્થિને ગંગામાં વિસર્જિત કરીને પરત ફરી રહ્યા હતા. આ સમયે શિવદાસપુરા નજીક તેમની ગાડી અચાનક બેકાબૂ થઈને બાયપાસમાં ખાબકી. દુર્ઘટના એટલી ખતરનાક હતી કે તમામના ઘટનાસ્થળે જ મોત થઈ ગયા.
જયપુરના વાટિકા ક્ષેત્રનો રહેવાસી છે પરિવાર
દુર્ઘટનામાં કાલૂરામ અને તેમની પત્ની સીમા, ભાઈ રામરાજ અને પત્ની મધુ, 14 મહિનાનો દીકરો રૂદ્ર, રોહિત અને તેમનો ત્રણ વર્ષ દીકરો ગજરાજ સામેલ છે. પરિવાર મૂળ અજમેર જિલ્લાના કેકડી અને જયપુરના વાટિકા ક્ષેત્રનો રહેવાસી છે. એક જ પરિવારના સાત લોકોના મોતથી સમગ્ર પંથકમાં શોકની લહેર પ્રસરી ગઈ છે.
આ પણ વાંચો: જમ્મુ કાશ્મીરના બડગામમાં સેનાના વાહનને નડ્યો અકસ્માત, ચાર જવાન ઘાયલ, બેની હાલત ગંભીર
પોલીસે શું જણાવ્યું?
પોલીસ અધિકારીઓના જણાવ્યા અનુસાર, આ દુર્ઘટના શિવદાસપુરા વિસ્તારમાં પ્રહ્લાદપુરા નજીક બની. એક પૂરપાટ ઝડપે જઈ રહેલી કાર ડિવાઇડર સાથે અથડાઈને રિંગરોડથી લગભગ 16 ફૂટ નીચે જઈને ખાબકી. કાર એક અંડરપાસમાં ખાબકતા પાણી ભરાયું હતું. સ્થાનિક લોકોએ રવિવાર બપોરે દુર્ઘટનાગ્રસ્ત કારને પાણીથી ભરેલા અંડરપાસમાં ઉંધી પડેલી જોઈ.
માહિતી મળતા જ પોલીસે ઘટના સ્થળે પહોંચીને ક્રેનની મદદથી કારને બહાર કાઢી. શિવદાસપુરાના પોલીસ અધિકારી સુરેન્દ્ર સૈનીએ કહ્યું કે, ‘કારમાં સવાર તમામ સાત લોકો મૃત મળી આવ્યા. મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે મોકલાયા છે. દુર્ઘટના શનિવાર રાત્રિના સમયે બની, પરંતુ દુર્ઘટનાની જાણ રવિવાર બપોરે થઈ જ્યારે દુર્ઘટનાગ્રસ્ત કાર અંડરપાસમાં જોવા મળી.’
આ પણ વાંચો: વૈષ્ણો દેવી યાત્રા શરૂ ન થઇ, જાણો શું હતું કારણ, શ્રદ્ધાળુઓ નિરાશ થઇ પાછા ફર્યા