India vs Pakistan Match: એશિયા કપ 2025માં ભારત અને પાકિસ્તાન વચ્ચે આજે 14 સપ્ટેમ્બર રવિવારે રમાનારી મેચનો દેશભરમાં વિરોધ થઈ રહ્યો છે. પહલગામ આતંકી હુમલા બાદ મોટાભાગના દેશવાસીઓ પાકિસ્તાન સાથે ક્રિકેટ રમવાના વિરોધમાં છે. આ વિરોધ વચ્ચે દિગ્ગજ પૂર્વ ક્રિકેટર સુરેશ રૈનાએ ટીમ ઈન્ડિયાના ખેલાડીઓની મનની વાત જાહેર કરી છે.
કોઈ ખેલાડી પાકિસ્તાન સાથે રમવા માગતુ નથી
સુરેશ રૈનાએ એક મીડિયા ઈન્ટરવ્યૂમાં જણાવ્યું કે, હું સારી રીતે જાણુ છું કે, જો એશિયા કપમાં સામેલ ટીમ ઈન્ડિયાના ખેલાડીઓને વ્યક્તિગત રીતે પૂછવામાં આવે તો કોઈ પણ એશિયા કપ રમવા માગતુ નથી. તેઓ મજબૂરીમાં આ મેચ રમી રહ્યા છે. બીસીસીઆઈએ મંજૂરી આપી છે, તેમજ એસીસીની ટૂર્નામેન્ટ છે. તેઓ દુઃખી છે કે, પાકિસ્તાન સાથે મેચ રમવી પડશે.
આ પણ વાંચોઃ ‘પાકિસ્તાન સાથે રમવું એ દેશ સાથે ગદ્દારી’, IND vs PAK મેચને લઈને ભડક્યાં કેજરીવાલ
વધુમાં રૈનાએ કહ્યું કે, જો સૂર્યાની કેપ્ટનશીપ હેઠળની ટીમ ઈન્ડિયાના કોઈપણ ખેલાડીનો વ્યક્તિગતરૂપે અભિપ્રાય લેવામાં આવે તો તો તેઓ પાકિસ્તાન સાથે રમવાનો ઈનકાર કરી દેતાં. તેઓ એશિયા કપમાં પાકિસ્તાનની સાથે રમવા જ માગતા નથી.
ટીમ ઈન્ડિયાની શું છે મજબૂરી?
આજની મેચ પર અનેક તર્ક-વિતર્ક થઈ રહ્યા છે. વર્લ્ડ ચેમ્પિયનશીપ ઓફ લિજેન્ડ્સમાં જે રીતે સુરેશ રૈના, હરભજન સિંહ, શિખર ધવન, યુવરાજસિંહ, ઈરફાન પઠાણ, યુસુફ પઠાણ જેવા દિગ્ગજ ખેલાડીઓએ પાકિસ્તાન સાથે રમવાનો ઈનકાર કરી દીધો હતો, તેવી જ રીતે આ મેચમાં સામેલ ટીમના ખેલાડીઓ ઈનકાર કેમ કરી રહ્યા નથી. આ મુદ્દે સ્પષ્ટતા આપતાં સુરેશ રૈનાએ જણાવ્યું હતું કે, આ મામલે સરકારની મંજૂરી મળી છે, બીસીસીઆઈએ પણ બંને દેશો વચ્ચે માત્ર મલ્ટીનેશનલ ટૂર્નામેન્ટ કરવાની મંજૂરી આપી હતી. બિલેટરલ સીરિઝ બંને દેશો વચ્ચે નહીં રમાય. જ્યાં સુધી અમારી વાત છે, તે એક રીતે પ્રાઈવેટ સીરિઝ હતી. જેમાં તમામ વરિષ્ઠ ખેલાડીઓ હતા. જે બીસીસીઆઈની અંડરમાં નથી. જેથી અમે આ નિર્ણય લઈ શક્યા.
આ એક મલ્ટીનેશનલ ટૂર્નામેન્ટ
રૈનાએ આગળ કહ્યું કે, એશિયા કપ એક મલ્ટીનેશનલ ટૂર્નામેન્ટ છે. જે એસીસી (એશિયન ક્રિકેટ કાઉન્સિલ) હેઠળ છે. જેથી ટીમ ઈન્ડિયાએ આ મેચ મજબૂરીમાં રમવી પડશે. આઈસીસી ઈવેન્ટમાં પણ ભારત અને પાકિસ્તાન છેલ્લા થોડા વર્ષથી મેચ રમી રહ્યા છે. તમને જણાવી દઈએ કે, આજે રાત્રે આઠ વાગ્યે દુબઈના ઈન્ટરનેશનલ સ્ટેડિયમ ખાતે બંને દેશ વચ્ચે મેચ રમાશે.