વડોદરાઃ વિશ્વામિત્રી નદીમાં વધુ એક મગરનો મૃતદેહ મળી આવતાં જીવદયા પ્રેમીઓમાં ચિંતિત બન્યા છે.છ મહિનામાં આઠમો બનાવ બનતાં મગરના મોતનું કારણ જાણવા પોસ્ટમોર્ટમ કરાવવામાં આવ્યું છે.
વિશ્વામિત્રી નદીમાં સૌથી વધુ મગરો વસવાટ કરી રહ્યા છે અને છેલ્લા કેટલાક સમયથી મગરોના રહસ્યમય રીતે મૃત્યુના બનાવ બની રહ્યા હોવાથી ફોરેસ્ટ વિભાગના અધિકારીઓ સતર્ક થયા છે.
આજે કમાટીબાગના કેબલ બ્રિજ નીચે એક મગરનો મૃતદેહ મળી આવ્યો હતો.મગર દૂરથી તણાઇને આવ્યો હોવાનું અને ત્યાં ફસાઇ ગયો હોવાનું મનાય છે.
કમાટીબાગના ઝૂ ક્યૂરેટરે ફોરેસ્ટ વિભાગને જાણ કરતાં ફાયર બ્રિગેડની મદદ લઇ મૃતદેહને બહાર કાઢવામાં આવ્યો હતો.મગરનું મોત ફાઇટને લીધે થયું છે કે પછી જળપ્રદૂષણ જેવા બીજા કારણ જવાબદાર છે તેની તપાસ કરવા માટે ફોરેન્સિકની મદદ લેવામાં આવી છે.