Ahmedabad Builder Case: અમદાવાદના ચકચારી હિંમત રૂડાણી હત્યા કેસમાં કોર્ટે બે આરોપીઓના પાંચ દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે. પોલીસે આ કેસમાં 10 દિવસના રિમાન્ડની માંગણી કરી હતી.
પોલીસ દ્વારા આ કેસમાં આરોપીઓ રાહુલ અને પપ્પુ મેઘવાલની વધુ પૂછપરછ કરવા માટે 10 દિવસના રિમાન્ડની માંગણી કરવામાં આવી હતી. જ્યારે કોર્ટ દ્વારા 5 દિવસના રિમાન્ડ મંજૂર થતા હવે પોલીસ આ બંને આરોપીઓની ઊંડાણપૂર્વક પૂછપરછ કરશે. આ પૂછપરછમાં હત્યા પાછળનો મુખ્ય હેતુ અને અન્ય કોઈ સંડોવાયેલા વ્યક્તિઓ વિશે માહિતી મેળવવામાં આવશે. આ કેસમાં વધુ વિગતો આગામી દિવસોમાં બહાર આવવાની શક્યતા છે.
મુખ્ય આરોપી મનસુખ લાખાણીની ધરપકડ
બિલ્ડર મનસુખ લાખાણીએ જ હિંમત રૂડાણીની હત્યા માટે સોપારી આપી હતી. લાખાણી અને રૂડાણી વચ્ચે જૂના ધંધાકીય સંબંધોને લઈને વિવાદ ચાલી રહ્યો હતો. આ વિવાદના કારણે જ મનસુખ લાખાણીએ હિંમત રૂડાણીની હત્યા કરાવવાનું કાવતરું ઘડ્યું હતું.
અગાઉ પોલીસે મનસુખ લાખાણીને શંકાના આધારે પૂછપરછ માટે બોલાવ્યા હતા. જોકે, ત્રણ આરોપીઓની કબૂલાત અને અન્ય પુરાવાઓના આધારે તેની ભૂમિકા સ્પષ્ટ થઈ હતી. આ પુરાવા મળ્યા બાદ પોલીસે તાત્કાલિક મનસુખ લાખાણીની ધરપકડ કરી અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. આ કેસમાં વધુ ઊંડાણપૂર્વક તપાસ ચાલી રહી છે.
2024ના જાન્યુઆરીથી ચાલી રહ્યો હતો વિવાદ
સૂત્રોના જણાવ્યાનુસાર, આ બંને બિલ્ડરો નિકોલના ગંગોત્રી સર્કલ નજીકના એક જમીનના પ્લોટને લઈને લાંબા સમયથી લડી રહ્યા હતા. આ વિવાદ 2024ના જાન્યુઆરી મહિનામાં જાહેર થયો હતો, જ્યારે માલિકી હકને લઈને થયેલી બોલાચાલી બાદ એફઆઈઆર નોંધવામાં આવી હતી. તપાસ અધિકારીઓએ ખુલાસો કર્યો કે, હિંમત રૂદાણીના પુત્ર ધવલે મનસુખ લાખાણીના પુત્ર કિંજલ લાખાણી સામે CID ક્રાઈમના આર્થિક ગુના વિંગ (EOW)માં 1.5 કરોડ રૂપિયાની છેતરપિંડી અને વિશ્વાસઘાતની ફરિયાદ નોંધાવી હતી.
શું હતી ઘટના
અમદાવાદના વિરાટનગર બ્રિજ નીચેથી બિલ્ડરની હત્યા કરાયેલી હાલતમાં કારમાંથી મૃતદેહ મળ્યો હતો. તેમના શરીર પર કોઈ તીક્ષ્ણ હથિયાર વડે અનેક ઘા ઝીંકવામાં આવ્યા હતા. બિલ્ડરની ઓળખ હિંમત રૂદાણી તરીકે થઈ હતી આ ઘટનાની જાણ થતા જ ઓઢવ પોલીસ સહિત ઉચ્ચ અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચીને તપાસ હાથ ધરી છે. આ મામલે CCTV ફૂટેજ અને ફોન રેકોર્ડમાંથી મળેલા પુરાવાના આધારે પોલીસે રાજસ્થાનના સિરોહીમાંથી રાહુલ રાઠોડ, પપ્પુ મેઘવાલ અને એક સગીર સહિત ત્રણ શંકાસ્પદોની અટકાયત કરી હતી.