– મનપાની કામગીરી સામે સવાલો
– પાલિકા કચેરીની સામે ધુળિયા રોડ પર વેજ-નોનવેજની અનેક હોટલોના રસોડા ખુલ્લામાં ધમધમી રહ્યા છે
નડિયાદ : નડિયાદ મહાનગરપાલિકાના સેનેટરી વિભાગ અને આરોગ્ય વિભાગે દ્વારા ગઈકાલે એકાએક શહેરની એક હોટલમાં તપાસ કરવામા આવી હતી. જેમાં માત્ર એક હોટલને ટાર્ગેટ કરી અને ૫૦ હજારનો દંડ ફટકારવામા આવ્યો છે ત્યારે હાલ એવી ચર્ચા ઉઠી છે કે નડિયાદ મનપા હદ વિસ્તારમાં અનેક હોટલોમાં ગેરરીતિ અને અનેક ગંભીર બેદરકારીઓ છે તેમ છતાં એક જ હોટલમાં તપાસ કેમ કરવામા આવી અને આ કાર્યવાહીથી અનેક શંકા-કુશંકા પ્રવર્તી છે.
નડિયાદમાં પીપલગ રોડ પર આવેલી ભાગ્યોદય હોટલમાં ગતરોજ મોડી સાંજે મનપાના મેડીકલ ઓફીસર ઓફ હેલ્થ અને ચીફ સેનેટરી ઈન્સપેક્ટર દ્વારા આકસ્મિક સફાઈ અને અન્ય બાબતોની તપાસ હાથ ધરવામાં આવી હતી. જો કે, આ કામગીરી ખુદ શંકાના દાયરામાં હોવાની ચર્ચાઓ ઉઠી છે. કારણ કે, આ એક જ રોડ પર અનેક હોટલો આવેલી છે. તેવા સમયે માત્ર એક જ હોટલમાં પહોંચી અને મનપા ટીમે તપાસ કરી ૫૦ હજારનો દંડ ફટકાર્યો છે. જેમાં હોટલમાં ખોરાક ખુલ્લામાં રાખવામાં આવતો હોવા ઉપરાંત ગંદકી અને સ્ટાફે હાથમાં ગ્લબ્ઝ કે કેપ પહેરી ન હોવાનું કારણ મનપા ટીમે દર્શાવ્યુ છે. તો કિચનમાં સ્મોક માટે વેન્ટિલેશન ન હોવા ઉપરાંત ફ્રિજમાં ટેમ્પ્રેચર મેઈનટેન ન કર્યુ હોવાનું પણ મપનાએ જણાવ્યુ છે. જે બદલ હોટલ સંચાલકને ૫૦ હજારનો દંડ ફટકાર્યોે છે. જો કે, હવે સૌથી મહત્વની બાબત એ છે કે, મનપા કચેરીની બહાર નીકળતા સામે જ અનેક નોનવેજ અને વેજની હોટલો આવેલી છે, જે હોટલોના રસોડા તો ધૂળિયા રોડને બિલકુલ અડોઅડ રાખીને ચલાવાઈ રહ્યા છે. તો આ તરફ કબ્રસ્તાન ચોકડીથી સોશિયલ ક્લબ સુધી પણ જાહેર માર્ગ પર રસોડા ધમધમી રહ્યા છે. આ સિવાય પણ નડિયાદની અનેક હોટલોમાં સફાઈ અને અન્ય બાબતોમાં ભારે લાપરવાહી સ્પષ્ટ દેખાતી હોય છે, તેવા સમયે માત્ર એક જ હોટલમાં કાર્યવાહી કરાતા અનેક શંકાઓ સેવાઈ રહી છે.
તપાસકર્તા અધિકારીઓની સામે ખુલ્લા રસોડા
આ તરફ મનપામાં રોજ આવતા ચીફ સેનેટરી ઈન્સપેક્ટર અને મેડીકલ ઓફીસર ઓફ હેલ્થ મુખ્ય ગેઈટમાં પ્રવેશે ત્યાંથી ૨૦ પગલાં દૂર ખુલ્લેઆમ હોટલોના રસોડા રોડ પર ચાલી રહ્યા છે, તેમ છતાં અધિકારીઓને આ રસોડા કેમ દેખાતા નથી? તે સૌથી મહત્વનો પ્રશ્ન બન્યો છે.
કોમ્પલેક્ષ-ડસ્ટબિનના કચરાના ફોટા પાડવામાં આવ્યા
મનપાની ટીમે જૈનમ ટાવર કોમ્પલેક્ષમાં પડેલા કચરાના ફોટોગ્રાફ્સ લીધા હતા અને આ સિવાય હોટલમાં મુકાયેલા ડસ્ટબિનના ફોટા લીધા હતા. તો જે રસોઈ બનાવીને પીરસવાની હતી, તે રસોઈ ઢાંકી કેમ નથી? તેવા પ્રશ્નો ઉભા કર્યા હતા અને દંડ ફટકાર્યો છે. જેથી મનપાની ટીમે અયોગ્ય કાર્યવાહી કરી હોવાની ચર્ચાએ જોર પકડયુ છે.