અમદાવાદ,મુંબઈ : અમેરિકામાં ફેડરલ રિઝર્વ ઓપન માર્કેટ કમિટિની મંગળવારથી મળી રહેલી બે દિવસની બેઠક પૂર્વે વૈશ્વિક સોનામાં નવા વિક્રમી ભાવ જોવા મળ્યા હતા. બેઠકના અંતે કમિટિ વ્યાજ દરમાં ઘટાડો કરશે તેવી શકયતા લગભગ નિશ્ચિત બનતા ફન્ડોની ગોલ્ડમાં લેવાલી જળવાઈ રહી હતી જ્યારે ડોલરમાં વેચાણ આવ્યું હતું. આ અહેવાલો પાછળ આજે અમદાવાદ સોના-ચાંદી બજારમાં બંને કિંમતી ધાતુઓ નવી વિક્રમી સપાટીએ પહોંચી ગઇ હતી.
અમદાવાદ સોના-ચાંદી બજારમાં સોનાચાંદીના ભાવમાં નવો રેકોર્ડ જોવા મળ્યો હતો. ૯૯.૯૦ દસ ગ્રામ સોનાના ભાવ રૂપિયા ૧૧૪૮૦૦ જ્યારે ૯૯.૫૦ના દસ ગ્રામ દીઠ રૂપિયા ૧૧૪૫૦૦ બોલાતા હતા. ચાંદી .૯૯૯ એક કિલોના રૂપિયા ૧૩૧૫૦૦ કવોટ થતા હતા.
વૈશ્વિક ફન્ડો ડોલરમાંથી હળવા થઈ રહ્યા હોવાને પરિણામે ડોલર ઈન્ડેકસ બે મહિનાની નીચી સપાટીએ ટ્રેડ થઈ રહ્યો હતો.
ચાંદીમાં પણ ઔદ્યોગિક માગના ટેકા સાથે ભાવ ઊંચા બોલાતા હતા. વિશ્વ બજારમાં સોનુ ૩૬૯૯ ડોલરની સપાટીને ટચ કરી પાછુ ફર્યું હતું. વિશ્વ બજાર પાછળ ઘરઆંગણે પણ સોનાચાંદીના વિક્રમી ભાવ જોવાયા હતા. ક્રુડ ઓઈલમાં સુધારાની ચાલ જળવાઈ રહી હતી. ભાવ પ્રતિ બેરલ ૬૮ ડોલરને પાર કરી ગયા હતા.
ઘરઆંગણે મુંબઈ ઝવેરી બજારમાં ૯૯.૯૦ સોનાના દસ ગ્રામના જીએસટી વગરના ભાવ રૂપિયા ૧૧૦૮૬૯ બોલાતા હતા. ૯૯.૫૦ના જીએસટી વગર રૂપિયા ૧૧૦૪૨૫ મુકાતા હતા. જીએસટી સાથે ભાવ ત્રણ ટકા ઊંચા મુકાતા હતા. ચાંદી .૯૯૯ એક કિલોના જીએસટી વગર રૂપિયા ૧૨૯૩૦૦ બોલાતા હતા. જીએસટી સાથે ભાવ ત્રણ ટકા ઊંચા કવોટ થતા હતા.
વિશ્વ બજારમાં સોનુ પ્રતિ ઔંસ ઉપરમાં ૩૬૯૯.૫૩ ડોલર અને નીચામાં ૩૬૭૪.૮૨ ડોલર વચ્ચે અથડાઈ મોડી સાંજે ૩૬૯૧ ડોલર બોલાતુ હતું. ચાંદી પ્રતિ ઔંસ ઉપરમાં ૪૨.૯૨ ડોલર અને નીચામાં ૪૨.૩૪ ડોલર થઈ મોડી સાંજે ૪૨.૯૦ ડોલર મુકાતું હતું.
ઔદ્યોગિક માગને પરિણામે ચાંદીમાં સુધારો જળવાઈ રહ્યો છે. ફેડરલ ઓપન માર્કેટ કમિટિની આજથી શરૂ થઈ રહેલી બે દિવસની બેઠકમાં વ્યાજ દરમાં ઘટાડો લગભગ નિશ્ચિત હોવાથી ડોલરમાં નબળાઈ જોવા મળી રહી છે અને સોનાના વૈશ્વિક ભાવને ટેકો મળી રહ્યો છે. અન્ય કિંમતી ધાતુ પ્લેટિનમ પ્રતિ ઔંસ ૧૩૯૮ ડોલર જ્યારે પેલેડિયમ ઔંસ દીઠ ૧૧૮૬ ડોલર મુકાતુ હતું. બન્ને કિંમતી ધાતુ ઊંચા મથાળે સ્થિર રહી હતી.
દરમિયાન ઈઝરાયેલ દ્વારા ગાઝા પર સતત હુમલાને પગલે મધ્ય પૂર્વમાં અશાંતિ વધવાના એંધાણ અને રશિયા સામે વધુ પ્રતિબંધ આવવાના સંકેતોએ ક્રુડ તેલમાં સુધારો જળવાઈ રહ્યો છે. નાયમેકસ ડબ્લ્યુટીઆઈ પ્રતિ બેરલ ૬૪.૦૫ડોલર જ્યારે આઈસીઈ બ્રેન્ટ ક્રુડ ઓઈલ મોડી સાંજે પ્રતિ બેરલ ૬૮.૦૭ડોલર મુકાતું હતું.