– ઉનાળુ વેકેશનને ધ્યાનમાં રાખી બે માસ માટે ટ્રેન ચલાવવા નિર્ણય
– ભાવનગરથી દર રવિવારે અને હૈદરાબાદથી દર શુક્રવારે ટ્રેન ઉપડશે, શુક્રવારથી ટિકિટ બુકિંગ કરી શકાશે
ભાવનગર : ઉનાળુ વેકેશનને ધ્યાનમાં રાખી રેલવે તંત્ર દ્વારા આગામી રવિવારથી બે માસ માટે ભાવનગરથી હૈદરાબાદ વચ્ચે સમર સ્પેશિયલ ટ્રેન ચલાવવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. આ ટ્રેનની ટિકિટનું બુકિંગ શુક્રવારથી શરૂ થઈ જશે.
રેલવે પ્રશાસન દ્વારા યાત્રિકોની સુવિધાને ધ્યાનમાં લઈ ભાવનગર ટર્મિનસથી હૈદરાબાદ સુધી સાપ્તાહિક સમર સ્પેશિયલ ટ્રેન ચલાવવાનો નિર્ણય કરાયો છે. આ ટ્રેન ભાવનગર ટર્મિનસથી તા.૬-૪થી તા.૧-૬ સુધી દર રવિવારે સવારે ૧૦-૧૫ કલાકે ઉપડી બીજા દિવસે (સોમવારે) સાંજે ૪-૪૫ કલાકે હૈદરાબાદ સ્ટેશન પહોંચશે. તેવી જ રીતે હૈદરાબાદ સ્ટેશનથી તા.૪-૪થી તા.૩૦-૫ સુધી દર શુક્રવારે સાંજે ૭ કલાકે ઉપડી રવિવારે સવારે ૫-૫૫ કલાકે ટ્રેન ભાવનગર ટર્મિનસ સ્ટેશન પહોંચશે. આ અંગે ભાવનગર રેલવેના સિનિયર ડિવિઝનલ કોમર્શિયલ મેનેજરે વધુમાં વિગત આપતા જણાવ્યું હતું કે, ભાવનગર-હૈદરાબાદ સાપ્તાહિક સમર સ્પેશિયલ ટ્રેનમાં સેકન્ડ એસી, સ્લીપર અને જનરલ કોચ હશે. નિર્ધારીત રૂટમાં ટ્રેન બન્ને દિશામાં સિહોર, સોનગઢ, ધોળા, બોટાદ, સુરેન્દ્રનગ ગેટ, વિરમગામ, સાબરમતી, વડોદરા, સુરતન, નંદુરબાર, ભુસાવલ, અકોલા, વાશીમ, હિંગોલી, બસમત, પૂર્ણા (જં), નાંદેડ, મુદખેડ (જં), બાસર, નિઝામાબાદ, કામારેડ્ડી, મેડચલ અને સિકંદરાબાદ સ્ટેશન પર રોકાશે. ભાવનગરથી ચાલનારી ટ્રેનનું ટિકિટ બુકિંગ તા.૪-૪ને શુક્રવારથી પેસેન્જર રિઝર્વેશન સેન્ટર્સ અને આઈઆરટીસીની વેબસાઈટ પર ખુલશે તેમ ઉમેર્યું હતું.