– ચિલોડા હિંમતનગર હાઇવે ઉપર
ગાંધીનગર : ગાંધીનગર શહેર નજીક ચિલોડા હિંમતનગર હાઇવે ઉપર ગઈકાલે મોડી રાત્રે રોડ સાઈડમાં ઊભેલી ટ્રકની પાછળ અન્ય ટ્રક ઘુસી જતા તેમાં રહેલા ડ્રાઇવરનું ગંભીર ઇજાઓને કારણે મોત થયું હતું. ફાયર બ્રિગેડની મદદ લેવામાં આવી છતાં ડ્રાઇવરને બચાવી શકાયો ન હતો.
કેબિનમાં ફસાયેલા ડ્રાઇવરને બહાર કાઢવા માટે ફાયર બ્રિગેડની મદદ લેવામાં આવી પણ બચી ન શક્યો
ગાંધીનગર જિલ્લાના હાઇવે માર્ગો ઉપર અકસ્માતની ઘટનાઓ વધી રહી છે ત્યારે રોડ ઉપર ઉભા રહેતા ટ્રક ચાલકોને રોકવા માટે તાજેતરમાં જ પોલીસ દ્વારા અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું અને ઠેર ઠેર સાઈન બોર્ડ પણ લગાડવામાં આવ્યા હતા પરંતુ ટ્રક ચાલકો દ્વારા તેનું પાલન કરવામાં આવતું નથી. આ સ્થિતિમાં ગઈકાલે ચિલોડા હિંમતનગર હાઇવે ઉપર વધુ એક અકસ્માત એક ટ્રક ચાલકની બેદરકારીના કારણે સર્જાયો છે. રોડ સાઈડમાં કોઈપણ ઇન્ડિકેટર વગર ટ્રક ઉભો કરી દેવામાં આવ્યો આવ્યો હતો. આ દરમિયાન અરવિંદ દિનેશચંદ્ર વર્મા અમદાવાદથી બિહાર જવા માટે એક ટ્રક લઈને નીકળ્યો હતો. જેમાં પરચુરણ સામાન ભરેલો હતો. આ દરમિયાન ચિલોડા પાસેથી પસાર થતા તે દરમિયાન જ આ ટ્રકની પાછળ તેનો ટ્રક ઘૂસી ગયો હતો અને તે કેબિનમાં ફસાઈ ગયો હતો. જેથી તેણે તેના માલિક આલોકકુમાર અગ્નિહોત્રીને ફોન કરીને અકસ્માત અંગે જાણ કરી હતી. જેથી તેઓ સ્થળ ઉપર પહોંચ્યા હતા જ્યાં ફાયર બ્રિગેડ દ્વારા આ કેબિન કાપીને ડ્રાઇવરને બહાર કાઢવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. જોકે તેને બહાર કાઢી લેવામાં આવ્યો હતો પરંતુ સ્થળ ઉપર હાજર ૧૦૮ એમ્બ્યુલન્સ દ્વારા તેને મૃત જાહેર કરવામાં આવ્યો હતો. આ ઘટનાને પગલે ચિલોડા પોલીસ દ્વારા બેદરકારી દાખવનાર ટ્રકના ચાલક સામે ગુનો દાખલ કરીને વધુ તપાસ શરૂ કરવામાં આવી છે.