નાનમવા ચાર રસ્તા પાસે ચાની લારી ધરાવતા શખ્સ સામે ફરિયાદ : મહિલાને આરોપી કહેતો કે મને મળતી રહેજે, નહીંતર હું તને બદનામ કરી નાખીશ, મળીશ તો માલામાલ કરી નાખીશ
રાજકોટ, : રાજકોટમાં બે સંતાનની માતાને સોનાના દાગીના અને ફલેટ અપાવવાની લાલચ આપી આરોપી રાજુ બાંભવા (રહે. રૈયા ગામ 12/13નો ખૂણો)એ દુષ્કર્મ ગુજાર્યાની માલવિયાનગર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઇ છે. જેના આધારે પોલીસે આરોપીને ઝડપી લેવા તજવીજ શરૂ કરી છે. ભોગ બનનાર મહિલાએ પોલીસને જણાવ્યું કે તેને બે સંતાન છે. અગાઉ એક હોસ્પિટલમાં હાઉસ કીપર તરીકે નોકરી કરતી હતી. નોકરીના સ્થળે એક્ટિવા લઇને જતી હતી. નાનામવા ચાર રસ્તા ઉપર આરોપીની લારી હતી. જ્યાંથી પસાર થતી ત્યારે આરોપી સામે જોઇ રીક્ષા લઇ અવારનવાર પાછળ આવતો હતો.
એક દિવસ આરોપીએ બિગબજાર ચાર રસ્તા પાસેના ટ્રાફિક સિગ્નલ પાસે રીક્ષામાં આવી તેને એક ચિઠ્ઠી આપી હતી. જેમાં જોતાં આરોપીના નંબર લખેલા હતાં. બીજા દિવસે પણ આરોપી તેની રીક્ષા લઇ હોસ્પિટલ સુધી તેની પાછળ આવ્યો હતો. જેથી કંટાળીને આરોપીને કોલ કરતાં આરોપીએ કહ્યું કે હું તને પ્રેમ કરૂં છું, તારા પતિને પણ સારી રીતે ઓળખું છું. જેની સામે તેણે કહ્યું કે હું બે સંતાનની માતા છું, મને હેરાન ન કર. બાદમાં ફોન કાપી નાખ્યો હતો.
થોડીવાર પછી આરોપીએ ફરીથી કોલ કરી કહ્યું કે તારે એક વાર તો મને મળવું જ પડશે, નહીં મળે તો તારા ક્વાર્ટરમાં આવી ફજેતો કરીશ, તારા પતિને પણ કહીશ તને મારી સાથે સંબંધ છે.
જેને કારણે ગભરાઇ ગઇ હતી. ત્રણ-ચાર દિવસ પછી આરોપી તેના ઘર આગળથી તેની સામે જોતો નીકળ્યો હતો. પતિને ખબર પડી જશે તો ઘર ભાંગી જશે તેમ વિચારી આરોપી સાથે ફોનમાં વાત કરવાનું શરૂ કર્યું હતું. પાંચ-છ દિવસ સુધી આરોપી સાથે વાત કરી હતી. આ પછી તેને થયું કે પતિને ખબર પડશે તો ઘર ભાંગશે, જેથી બીકને કારણે આરોપીને મળવાનું નક્કી કર્યું હતું. બીજા દિવસે રાત્રે આરોપીને મળતાં તેને ઓટો રીક્ષામાં બેસાડી બસ સ્ટેન્ડ વિસ્તારમાં લઇ ગયો હતો. જ્યાં તેને સોનાના દાગીના અને ફલેટ અપાવવાની લાલચ આપી હતી. જેથી આરોપીની વાતમાં આવી ગઇ હતી.
તે ઘરે કોઇ પથારીવશ હોય તો તેની સારવાર માટે પણ જતી હતી. તેની જાણ થતા આરોપી તેને એક ઘરે સારવાર માટે જવાના બહાને રીક્ષામાં બેસાડી રાજનગર ચોક વિસ્તારમાં એક મકાનમાં લઇ ગયો હતો. જ્યાં મોટી ઉમરના દંપતી હતા. આ મકાનમાં તેની સાથે ઇચ્છા વિરૂધ્ધ શરીર સબંધ બાંધ્યો હતો. બે-ચાર દિવસ પછી ફરીથી તે જ મકાનમાં તેની ઇચ્છા વિરૂધ્ધ શરીર સંબંધ બાંધ્યો હતો.
સાથોસાથ સોનાના દાગીના અપાવવાની લાલચ આપી કહ્યું કે આવી રીતે મળતી રહેજે, નહીંતર બદનામ કરી નાખીશ. આ પછી આરોપી રાતના સમયે ત્રણ-ચારથી વખત તેને અવાવરૂ જગ્યાએ લઇ જઇ તેની મરજી વિરૂધ્ધ શરીર સંબંધ બાંધતો હતો. એકવાર બસ સ્ટેન્ડ વિસ્તારમાં આવેલા ગેસ્ટ હાઉસમાં પણ શરીર સંબંધ બાંધ્યો હતો.
ત્યાર પછી પણ અવારનવાર કોલ કરી મળવા બોલાવતો હતો. તેણે ભૂલી જવાનું કહેતા તેના પતિને બધું કહી દેવાની ધમકી આપતો હતો. પતિએ મોબાઇલ ચેક કરતાં તેણે હકીકતો જણાવી હતી. જેથી પતિએ આરોપીને કોલ કરી તેને હેરાન નહીં કરવા જણાવતાં આરોપીએ તેની સાથે ફોનમાં ઝઘડો કરી, જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. આખરે પતિએ સાંત્વના આપતાં પોલીસ કમિશનર કચેરીમાં અરજી કરી હતી. જાણ થતાં આરોપીએ સમાધાન કર્યું હતું અને પાકુ લખાણ પણ કરાવ્યું હતું. સમાધાન પેટે નક્કી થયેલા રૂપિયા આરોપીએ આપ્યા ન હતાં. જેથી તેના વિરૂધ્ધ આજે ફરિયાદ નોંધાવી હતી.