– ચૂંટણી પંચ દ્વારા મતદાર યાદીની કામગીરી શરૂ કરાશે
– મનપા સાથે આણંદ જિલ્લાની ૬ પાલિકા, જિલ્લા અને તાલુકા પંચાયતની ફેબુ્રઆરી મધ્યમાં ચૂંટણી યોજવા આયોજન
આણંદ : કરમસદ આણંદ મહાનગરપાલિકાના સીમાંકનની જાહેરાત બાદ હવે જિલ્લા ચૂંટણી વિભાગે મનપા સહિત આણંદ જિલ્લાની છ પાલિકા, જિલ્લા પંચાયત અને તાલુકાની તમામ પંચાયતોની ચૂંટણી ફેબુ્રઆરીના મધ્યમાં યોજવા માટે આયોજન શરૂ કરી દીધું છે. કરમસદ આણંદ મનપામાં મતદાર યાદીની કામગીરી, નવા બૂથ મથકો ઊભા કરવાનું પણ આયોજન શરૂ કરાયું છે.
કરમસદ આણંદ મનપામાં ૨૦૧૧ની વસ્તી ગણતરીના આધારે ૨,૯૩,૪૨૦ની વસ્તીનો સમાવેશ કરાયો છે. પરંતુ, ૨૦૨૫ સુધી વસ્તીમાં વધારો થયો હોવાથી નવા સીમાંકન વિસ્તારોમાં ગત લોકસભાની ચૂંટણીની મતદાર યાદીને આધારે થોડા દિવસોમાં નવી મતદાર યાદી બનાવવા સંદર્ભે ચૂંટણી પંચ દ્વારા કામગીરી શરૂ કરાશે. જે પૂર્ણ થયા બાદ મનપાના ૧૩ વોર્ડમાં કેટલા મતદારોનો સમાવેશ થયો છે તે આધારે મથકો ઊભા કરવાનું આયોજન કરાશે. આણંદ શહેરમાં હાલ ૧૯૦થી વધુ જ્યારે કરમસદ- વિદ્યાનગરમાં ૫૦થી વધુ બૂથ મથકો આવેલા છે. મનપામાં લાંભવેલ, ગામડી, મોગરી, જીટોડિયા ગામોનો સમાવેશ કરાતા તમામ બૂથ મથકોનું કરમસદ આણંદ મનપામાં સંકલન કરાશે. જિલ્લા ચૂંટણી પંચની માહિતી મુજબ અંદાજિત ૧૦૦૦થી ૧૧૦૦ મતદારોના એક બૂથ મથક લેખે મનપાની ચૂંટણીમાં અંદાજિત ૩૦૦ જેટલા બૂથ મથકોનું આયોજન કરવું પડશે. નવા બૂથ માટે નવા મકાનો શોધવા અને તેની દરખાસ્ત કરવાની કામગીરી પણ કરાશે.
જિલ્લા ચૂંટણી વિભાગ દ્વારા મનપાની ચૂંટણીઓ સંભવિત રીતે ફેબુ્રઆરી મધ્યમાં યોજાવાની સંભાવના છે. ત્યારે આણંદ જિલ્લાના બોરસદ, પેટલાદ, ખંભાત, સોજીત્રા, તારાપુર, ઉમરેઠ પાલિકાની ચૂંટણીઓ પણ એ જ સમયે યોજાય તે માટેના આયોજન હેઠળ કામગીરી શરૂ કરાઈ છે.
સૂચનોની 10 દિવસની અવધી બાદ મતદાર યાદીની કામગીરી કરાશે
રાજ્ય ચૂંટણી પંચ દ્વારા નવું સીમાંકન બહાર પાડીને હાલ ૧૦ દિવસ માટે સૂચનો પણ મંગાવવામાં આવ્યા છે. જેની કામગીરી પૂર્ણ થયા પછી મતદારોની યાદીની કામગીરી શરૂ કરવામાં આવશે.