Farmers News: આજના આધુનિક યુગમાં’ય એક ચોક્કસ વર્ગ પુત્રી નહીં પણ પુત્ર જ જન્મે એનો દુરાગ્રહી હોવાથી સ્ત્રી જન્મ દર વધારવા અને સ્ત્રી ભૃણ હત્યા રોકવા સરકારે કાયદા કડક બનાવવા પડ્યા છે પરંતુ દૂધાળાં પશુઓ મામલે ઉલ્ટી ગંગા વહે છે. ગાય અને ભેંસમાં હવે નર નહીં, બલ્કે માદા પશુનો જ જન્મ થાય તેવી ટેકનોલોજી તરફ અનેક ખેડૂતો અને પશુપાલકો વળ્યા છે. છેલ્લાં પાંચેક વર્ષથી ચલણમાં આવેલાં સેક્સ્ડ સીમેન્સ ડોઝની ખપત હમણાં- હમણાં વધતી ચાલી છે. આ તરકીબથી લાંબા ગાળે નર પશુઓની સંખ્યામાં ઘટાડો થશે, જેના પરિણામે પશુપાલકોને દૂધનાં વેચાણની આવક વધશે અને રખડતા ખૂંટના ત્રાસમાંથી લોકોને રાહત પણ થશે.
હવે ગાયની કૂખે વાછરડી જ અને ભેંસને પાડી જ અવતરે તે માટેના પ્રયાસો હાથ ધરવામાં આવી રહ્યા છે, જેમાં સેક્સડ સીમેન ડોઝથી પશુને બીજદાન થાય તો માદા પશુનો જન્મ થાય છે. આ પઘ્ધતિથી 90 ટકાથી વઘુ વાછરડી, પાડી જન્મશે અને તે સારી ગુણવાાવાળા હોવાથી આવનારા સમયમાં તેનાં દૂધનાં ઉત્પાદનમાં પણ સારો એવો વધારો થશે.
ભેંસને પાડો આવે અને ગાયને વાછરડું આવે તો ખેડૂત કે પશુપાલક નારાજ થઈ જાય છે. પાડાને તુરંત જ વેંચી દેવો પડે છે, વાછરડાને છુટ્ટો મુકી દેવામાં આવે છે. આના કારણે ગામડે-ગામડે અને શહેરોમાં પણ ખૂંટિયાઓની સંખ્યા વધતી જાય છે. હાલના સમયમાં 80 ટકા લોકો પોતાના પશુઓને બીજદાન કરાવી રહ્યા છે. બીજદાનમાં પણ હવે દિવસે-દિવસે માદા પશુ આવે તે જ રીતેનું બીજદાન થાય તે પઘ્ધતિ તરફ ખેડૂતો વળી રહ્યા છે. સેક્સડ સીમેન ડોઝ આપ્યા બાદ જૂજ કિસ્સામાં જ જો વાય ક્રોમોઝોમ રહી ગયો હોય તો નર પશુ જન્મે છે.
સિઘ્ધપુર પાટણમાં ક્રોમોઝોમ છૂટા પાડીને તૈયાર કરાય છે સેક્સ્ડ સીમેન્સ ડોઝ
પાટણ (સિઘ્ધપુર) ખાતે સેક્સડ સીમેન ડોઝ તૈયાર કરવા માટેની પ્રક્રિયા કરવામાં આવે છે, જેમાં એક્સ અને વાય ક્રોમોઝોમને છુટ્ટા પાડી દેવામાં આવે છે. ‘વાય’ને કાઢી નાખ્યા બાદ માત્ર ‘એક્સ’ બચતા હોવાથી તેના ડોઝ તૈયાર કરી બીજદાન કરવામાં આવે તેથી માદા પશુનો જન્મ થાય છે.
કન્વેન્શલ ડોઝ કરતાં ઘટી જતી ગર્ભાધાનની શક્યતા
કન્વેશનલ ડોઝમાં શુક્રાણુંઓની સંખ્યા 10થી 20 મિલિયન જ્યારે સેક્સડ સીમેન ડોઝમાં શુક્રાણુંઓની સંખ્યા બે મિલિયન હોય છે. આ પદ્ધતિના કારણે કન્વેશનલ ડોઝમાં ગર્ભ રહેવાની પુરેપુરી શક્યતાઓ રહે છે, જ્યારે સેક્સડ સીમેન ડોઝમાં થોડી ઓછી શક્યતાઓ રહે છે.
સેક્સ્ડ સીમેન્સ ડોઝની ખપત ગત વર્ષની સાપેક્ષ બમણી
વર્ષ 2023-24માં ગીર-સોમનાથ, પોરબંદર અને જૂનાગઢ જૂલ્લામાં કન્વેશનલ ડોઝ થકી 74,736 પશુઓને કૃત્રિમ બીજદાન કરવામાં આવ્યું હતું, જ્યારે માત્ર 3069 પશુઓને સેક્સડ સીમેન ડોઝ આપવામાં આવ્યા હતા. વર્ષ 2024-25માં ફેબ્રુઆરી માસ સુધીમાં 68,150 પશુઓને કન્વેશનલ ડોઝ આપવામાં આવ્યા હતા, જ્યારે 7910 પશુઓને સેક્સડ સીમેનના ડોઝ આપવામાં આવ્યા હતા.