Pavagadh News : આસો માસની નવરાત્રિનો પાવન પર્વ આજે 22 સપ્ટેમ્બરથી શરૂ થયો છે. પહેલા નોરતે પાવાગઢ ખાતે ભક્તોનો ભારે ઘસારો જોવા મળ્યો છે. મહાકાળી માતાના દર્શન કરવા માટે આજે વહેલી સવારથી જ શ્રદ્ધાળુઓની ભારે ભીડ ઉમટી હતી.
નવરાત્રિના પ્રારંભ સાથે જ પાવાગઢનું વાતાવરણ ભક્તિમય બની ગયું છે. આજે વહેલી સવારે માતાજીની આરતી અને પૂજા સાથે આસો નવરાત્રિનો પ્રારંભ થયો. જેમાં ગુજરાત, રાજસ્થાન, મધ્ય પ્રદેશ સહિત અન્ય રાજ્યોમાંથી હજારો ભક્તો જય માતાજી અને જય મહાકાળીના નાદ સાથે દર્શન કરવા ઉમટ્યાં છે.
આ પણ વાંચો: નવરાત્રિ 2025: જાણો માતાજીની ઉપાસના-ઘટ સ્થાપનનું મહત્ત્વ, જેથી તમને મળે ઊર્જા અને નકારાત્મકતાનો થાય નાશ
નવરાત્રિ દરમિયાન યાત્રાળુઓની ભીડને ધ્યાનમાં રાખીને મંદિર ટ્રસ્ટ અને સ્થાનિક વહીવટી તંત્ર દ્વારા ખાસ વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. જ્યારે ખાનગી વાહનો લઈ જવા પર પ્રતિબંધ હોવાને લઈ એસટી વિભાગ દ્વારા યાત્રાળુઓને તળેટીથી માચી લાવવા લઈ જવા માટે 50 જેટલી બસો દોડાવવા માટેનું આયોજન કરવામાં આવ્યું છે.
આ સાથે ડુંગર પર ભક્તોની લાઈન અને અવરજવરનું સંચાલન કરવામાં આવી રહ્યું છે. પોલીસ અને અન્ય સુરક્ષા એજન્સીઓ દ્વારા ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે.