અમદાવાદ,બુધવાર
શહેરના જીવરાજ પાર્ક વિસ્તારમાં રહેતા નિવૃત શિક્ષકના આધાર કાર્ડઠથી સીમ કાર્ડ ખરીદી થયાનુ ંઅને બેંક એકાઉન્ટ ખોલીને જેટ એરવેઝના નરેશ ગોયલના કેસમાં ગેરકાયદે આર્થિક વ્યવહારના કારણે ગુનો નોંધાયાનું કહીને ઓનલાઇન છેતરપિંડી કરતી ગેંગ દ્વારા ડીજીટલ એરેસ્ટ કરીને ૩૯ લાખની રકમ પડાવી લેવામાં આવી હોવાની ફરિયાદ સાયબર ક્રાઇમ સેલમાં નોંધવામાં આવી છે. આરોપીઓએ નિવૃત શિક્ષકની સાથે તેમના પરિવારના સભ્યોને પણ ડીજીટલ એરેસ્ટ કર્યા હતા.
જીવરાજ પાર્ક આવેલા શ્રીકૃષ્ણ ટેનામેન્ટમાં રહેતા મહેશભાઇ પરમાર હાલ નિવૃત શિક્ષક છે. તેમના પરિવારમાં પત્ની અને પુત્રી છે. ગત ૧૨મી સપ્ટેમ્બરના રોજ તેમને અજાણ્યા નંબરથી કોલ આવ્યો હતો. કોલ કરનારે તેની ઓળખ ટ્રાયના અધિકારી તરીકે આપી હતી. તેણે મહેશભાઇને જણાવ્યુ હતું કે તેમના આધાર કાર્ડથી એક સીમ કાર્ડ ખરીદવામાં આવ્યું છે. જે નંબર પરથી લોકોને પોર્નોગ્રાફીના વિડીયો વાયરલ થયા છે. જેની એફઆઇઆર મુંબઇમાં નોંધાય છે. જેની તપાસ આઇપીએસ અધિકારી કરશે. ત્યારબાદ એક ોલ આવ્યો હતો.
જેમાં આધાર કાર્ડથી ખોલવામાં આવેલા બેંક એકાઉન્ટમાં ૨૪ લોકોએ બે કરોડ રૂપિયા જમા કર્યા છે. જેથી મની લોન્ડરીંગનો કેસ થશે. જેથી તમારે બચવું હોય તો તપાસમાં સહયોગ આપવો પડશે. બાદમાં વિડીયો કોલ કરીને પુછપરછ કરી હતી. પરંતુ, મહેશભાઇનો ફોન ગરમ થતો હોવાથી કોલ કરનારે તેમના પત્નીના મોબાઇલ પર વિડીયો કોલ કરીને તેમના રોકાણ અને બેંક બેંલેન્સની વિગતો જાણી હતી. તેમજ તમામ મોબાઇલ ફોનમાં ઇન્સ્ટાગ્રામ, ફેસબુક, સ્નેપ ચેટ અને ટેલીગ્રામની એપ્લીકેશન ડીલીટ કરાવી હતી. એટલું જ નહી તેમની પુત્રીનો મોબાઇલ નંબર લીધો હતો અને તેમના લોકેશન અંગે પણ વિગતો મેળવી હતી. ત્યારબાદ મહેશભાઇના તમામ રોકાણ અને બેંક એકાઉન્ટમાંથી અલગ અલગ સમયે કુલ ૩૮ લાખ રૂપિયા પડાવી લીધા હતા. જે અંગે બાદમાં તેમને છેતરપિંડી થયાની જાણ થતા આ અંગે સાયબર ક્રાઇમમાં ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ શરૂ કરી છે.