ગાંધીજીએ 1905માં સ્વદેશી ચળવળ શરૂ કરી હતી : પર્યાવરણ મુદ્દે દેશમાં બૌદ્ધિકો છતાં વિદેશી સંસ્થાઓ સાથે MOU : નેતાઓનાં સંતાનો દેશમાં ઉપલબ્ધ શિક્ષણ માટે પણ વિદેશ મોકલે છે
રાજકોટ, : રાજકોટના કબા ગાંધીના ડેલામાં રહીને અહીં જ અભ્યાસ કરનાર મહાત્મા ગાંધીજીએ ઈ.સ. 1905માં સ્વદેશીની ચળવળ કરી હતી અને વર્તમાન શાસનકર્તાઓ 120 વર્ષ પછી ફરી જુદા સ્વરૂપે આ ચળવળ કરી રહ્યા છે જે વિચાર અને ઉદ્દેશ લોકોમાં આવકાર્ય છે પરંતુ, ખુદ નેતાઓ દ્વારા અમલના મુદ્દે નિરાશા જણાય છે. રાજકોટ મનપાના મેયર, કમિશનર સહિત ડઝનેક પદાધિકારીઓ અને અધિકારીઓ જ ટોયોટા ઈનોવો કાર વાપરે છે તો 125 જેટલી ઈલેક્ટ્રીક સિટી બસો શહેરને ફાળવાઈ છે તેના મુખ્ય પાર્ટ બેટરી ચાઈનીઝ કંપની બીક્વિ ફોટોન મોટર્સ લિ.ની વપરાય છે.
વાત માત્ર વાહનો પુરતી નથી. મનપા અને જિલ્લા પંચાયત જેવી સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓમાં વહીવટી કામકાજમાં ગુજરાતી ભાષામાં અંગ્રેજી શબ્દોનો અતિરેક જોવા મળે છે તો રાજકોટમાં જ પર્યાવરણ સુધારવા સહિતના મુદ્દે અસરકારક ઉપાયો સૂચવી શકતા બૌધિકોની કમી નથી છતાં મહાપાલિકા વિદેશી સંસ્થાઓ સાથે એમ.ઓ.યુ. કરવામાં જ ઉંડો રસ લેતી રહી છે.
ખુદ પૈસાપાત્ર નેતાઓ તેમના સંતાનોને સામાન્ય અભ્યાસ કરાવવા પણ વિદેશ મોકલવાની સાથે ત્યાં મિલ્કતો વસાવવાનું વલણ ઘણા સમયથી છે અને તબીબી વિદ્યાભ્યાસ માટે ગુજરાતની મેડિકલ કોલેજોની તગડી ફીથી કંટાળીને નાગરિકો નાછૂટકે વિદેશ ભણવા મોકલતા રહ્યા છે છતાં આ અંગે ફી ઘટાડા, સુવિધા-સંશોધન વધારવા મુદ્દે કોઈ પગલા લેવાયા નથી. આ કારણે વિદેશીઓ ભારત આવે છે તેથી ઘણા વધુ સ્વદેશીઓ વિદેશમાં આવ-જા કરે છે. કેન્દ્રીય ગૃહમંત્રીએ રાજકોટ આવીને ભાજપના નેતાઓને પહેલા જાતે સ્વદેશી તરફ વળવા ટકોર કરી હતી અને તેની અસર રૂપે એકમાત્ર સાંસદ રામભાઈ મોકરીયાએ વિદેશી ઘડિયાળ ઉતારીને સ્વદેશી ઘડિયાળ ખરીદ્યાની જાહેરાત કરી છે અને બાકીના નેતાઓએ તો આટલું પણ કર્યું નથી કે સ્વદેશી અપનાવવા માટે કોઈ આયોજન કે નિર્ણયો પણ જાહેર કર્યું નથી.