– ખેડા જિલ્લાને નવો 11 મો તાલુકો મળ્યો
– નવા તાલુકા ફાગવેલનું મુખ્ય મથક કાપડીવાવ (ચીખલોડ)ને બનાવવાના નિર્ણય સામે અસંતોષ
નડિયાદ : ખેડા જિલ્લાના ૧૧માં તાલુકા તરીકે ફાગવેલની રચનાની જાહેરાત કરવામાં આવી છે. આ નિર્ણયથી સ્થાનિકોમાં આનંદ અને ઉત્સાહનો માહોલ છે, કારણ કે તેનાથી વહીવટી સરળતા વધશે. જોકે, નવા તાલુકાનું મુખ્ય મથક ફાગવેલને બદલે કાપડીવાવ (ચીખલોડ) ને બનાવવાની જાહેરાતથી લોકોમાં અસંતોષ પણ જોવા મળ્યો છે. આ નિર્ણયને લઈને લોકો પોતાની લાગણી અને વિરોધ વ્યક્ત કરી રહ્યા છે.
ગુજરાત સરકારે વહીવટી સરળતા અને વિકાસકાર્યોને વેગ આપવાના હેતુથી રાજ્યમાં ૧૭ નવા તાલુકાઓની જાહેરાત કરી છે, જેમાં ખેડા જિલ્લાના ૧૧માં તાલુકા તરીકે ફાગવેલનો સમાવેશ કરવામાં આવ્યો છે. આ નવા તાલુકાની રચના કપડવંજ અને કઠલાલ તાલુકામાંથી કરવામાં આવી છે. રાજ્યના લોકપ્રિય શ્રદ્ધા કેન્દ્ર અને ક્ષત્રિય વીર ભાથીજી મહારાજના ધામ ફાગવેલને આ દરજ્જો મળતા સમગ્ર પંથકમાં ખુશીનો માહોલ છે. જોકે, ફાગવેલનું સૂચિત મુખ્યમથક કાપડીવાવ (ચિખલોડ) રહેશે તેવી જાહેરાત થતા સ્થાનિક લોકોમાં અસંતોષ જોવા મળ્યો છે. બીજીતરફ આ નિર્ણયથી નાગરિકોને વહીવટી કામગીરી માટે લાંબા અંતરની મુસાફરી કરવી પડશે નહીં અને સરકારી યોજનાઓનો લાભ ઝડપથી મળી શકશે.
આ અંગે સરપંચના પ્રતિનિધિ બુધાભાઈ રાઠોડે જણાવ્યું છે કે, ફાગવેલને તાલુકાનો દરજ્જો આપ્યો તે બદલ સરકારનો આભાર, પરંતુ તેનું વડુ મથક ફાગવેલને જ રાખવા અમારી માંગણી છે.
ફાગવેલને મુખ્ય મથક ન બનાવતા અમે ફાગવેલમાં ક્યાંય આ નિર્ણયની ઉજવણી કરી નથી. તમામ કચેરીઓ ફાગવેલમાં જ બનાવાય અને મુખ્ય મથક ફાગવેલ રખાય તેવી અમારી માંગણી છે.
સરકારે નિર્ણય બદલવો જોઈએ, વિરોધ કરીશું : ભાથીજી મંદિરના ટ્રસ્ટી
આ અંગે ફાગવેલ ભાથીજી મંદિરના ટ્રસ્ટી અભેસિંહ રાઠોડે જણાવ્યું હતું કે, ફાગવેલને દરજ્જો મળ્યો, પરંતુ ચીખડોલને વડુ મથક રાખ્યું તે યોગ્ય નથી. ફાગવેલને જ વડુ મથક બનાવવું જોઈએ. જો સરકાર નિર્ણય નહીં બદલે તો વિરોધ કરીશું. ફાગવેલને જ તાલુકા મથક બનાવાય તેવી અમારી માંગણી છે.
ફાગવેલને તાલુકા મથક ન બનાવી ભાથીજીનું અપમાન : શોર્યધામ- ફાગવેલના પ્રમુખ
શોર્યધામ ફાગવેલ સંસ્થાના પ્રમુખ ભારતસિંહ પરમારે જણાવ્યું હતું કે, ફાગવેલને તાલુકાનો દરજ્જો મળ્યો છે, પરંતુ જો તેનું મુખ્યમથક ફાગવેલને બદલે ચીખલોડ રાખવામાં આવે તો તે ભાથીજી મહારાજનું અપમાન ગણાશે. મુખ્યમથક ફાગવેલને જ રાખવું જોઈએ. અમે આગામી દિવસોમાં આ મામલે સરકાર સમક્ષ રજૂઆત કરીશું.