વડોદરા સાંસદ ડૉ. હેમાંગ જોષીએ આજે છાયાપુરી રેલવે સ્ટેશન પર મુસાફરો માટેની વિવિધ નવી સુવિધાઓનું લોકાર્પણ કર્યું હતું. આ અવસર પર એસ્કેલેટર, ફૂટ ઓવર બ્રિજ તથા ઠંડા પાણીની નિઃશુલ્ક સુવિધાનું લોકાર્પણ કરાયું હતું.
કાર્યક્રમની શરૂઆતમાં મંડળ રેલ પ્રબંધક રાજૂ ભડકેએ સાંસદનું સ્વાગત કર્યું હતું. લોકાર્પણ બાદ સાંસદે જણાવ્યું હતું કે,છાયાપુરી સ્ટેશન મુસાફરો માટે અગત્યનું કેન્દ્ર છે અને નવી સુવિધાઓ મુસાફરોને વધુ આરામદાયક અને સુરક્ષિત યાત્રા પૂરી પાડશે. આશરે 8 કરોડના ખર્ચે બનેલા એસ્કેલેટર અને ફૂટ ઓવર બ્રિજથી પ્લેટફોર્મ નં. 1 અને 2 વચ્ચે અવરજવર સરળ બનશે. સાથે જ પ્લેટફોર્મ નં. 2 પર ઠંડા પીવાના પાણી પરબ સીએસઆર અંતર્ગત કે.પી. એજ્યુકેશન એન્ડ મેડિકલ સંસ્થા અને રેલવેના સહયોગથી શરૂ કરવામાં આવી છે. કાર્યક્રમ બાદ સાંસદએ “સ્વચ્છતા હી સેવા – 2025” અભિયાન હેઠળ “એક દિન, એક ઘંટા, એક સાથ” અંતર્ગત શ્રમદાન પણ કર્યું હતું. તેમણે સફાઈ કર્મચારીઓને પોતાના હાથે ભોજન પીરસી તેમનું સન્માન કર્યું હતું. આ પ્રસંગે વરિષ્ઠ મંડળ વાણિજ્ય પ્રબંધક નરેન્દ્ર કુમાર, વરિષ્ઠ મંડળ ઇલેક્ટ્રિકલ એન્જિનિયર પ્રદીપ મીણા, વરિષ્ઠ મંડળ એન્જિનિયર સુમિત ઠાકુર સહિતના રેલ્વે અધિકારીઓ અને કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.