વડોદરાઃ એમ.એસ.યુનિવર્સિટીમાં વાઈસ ચાન્સેલર બદલાયા બાદ પદવીદાન સમારોહનું આયોજન ટલ્લે ચઢી ગયું છે.પદવીદાન સમારોહના આયોજનની તમામ તૈયારીઓ થઈ ગયા બાદ છેલ્લી ઘડીએ સમારોહ ટાળી દેવામાં આવ્યો હતો અને હજી નવી તારીખ જાહેર કરાઈ નથી.
યુનિવર્સિટીમાં પહેલી વખત તા.૫ સપ્ટેમ્બર એટલે કે શિક્ષક દિવસે ૭૩મો વાર્ષિક પદવીદાન સમારોહ યોજાય તે પ્રકારે તૈયારીઓ શરુ કરાઈ હતી.આ દરમિયાન ઈન્ચાર્જ વાઈસ ચાન્સેલર પ્રો.ધનેશ પટેલની જગ્યાએ સરકારે નવા વાઈસ ચાન્સેલર તરીકે પ્રો.ભણગેની નિમણૂક કરી હતી.
જેના કારણે પદવીદાન સમારોહ માટેની તારીખ પણ બદલવાનું નક્કી કરાયું હતું.જોકે હજી સુધી સમારોહ યોજાય તેવા કોઈ એંધાણ દેખાઈ રહ્યા નથી.૧૪૦૦૦ જેટલા વિદ્યાર્થીઓ ડિગ્રી માટે રાહ જોઈ રહ્યા છે તો બીજી તરફ નવા વાઈસ ચાન્સેલરને રિઝવવા માટે ફેકલ્ટી ડીનો સેમિનાર અને રિસર્ચને લગતા બીજા કાર્યક્રમો યોજવામાં વ્યસ્ત છે.જેના કારણે પદવીદાન સમારોહ ભુલાઈ ગયો છે.