જિલ્લાના માર્ગો ઉપર વધતા જતા અકસ્માતો
દહેગામના ભાટઈ ગામથી કામ અર્થે દેવકરણના મુવાડા ગયા હતા તે દરમિયાન કૌટુંબીક સગાના ડાલાએ અકસ્માત સર્જ્યો
ગાંધીનગર : જિલ્લાના મુખ્ય અને આંતરિક માર્ગો ઉપર અકસ્માતની ઘટનાઓ વધી
રહી છે ત્યારે ગઈકાલે દહેગામ તાલુકાના અરજણજીના મુવાડા પાસે ડાલાની ટક્કરથી બાઇક
સવાર દહેગામ ભાટઈ ગામના કાકા ભત્રીજાના મોત થયા હતા. જે સંદર્ભે દહેગામ પોલીસે
ગુનો દાખલ કરીને વધુ તપાસ શરૃ કરી છે.
ગાંધીનગર જિલ્લામાં હાલ અકસ્માતની ઘટનાઓ સતત વધી રહી છે અને
તેમાં પણ મૃત્યુ આંક વધારે જોવા મળી રહ્યો છે ત્યારે દહેગામ તાલુકાના અરજણજીના મુવાડા
પાસે સર્જાયેલા વધુ એક અકસ્માતમાં બે વ્યક્તિઓના મોત થયા છે.આ ઘટના અંગે પોલીસ
સૂત્રોમાંથી મળતી વિગતો પ્રમાણે ભાટઈ ગામમાં રહેતા નરેશકુમાર ચંદ્રસિંહ ચૌહાણને
ગઈકાલે દહેગામના દેવકરણના મુવાડા ખાતે કામ હોવાથી તે જવા માટે નીકળ્યા હતા તે
દરમિયાન તેમનો ભત્રીજો યુવરાજસિંહ પણ તેમની સાથે બાઈક ઉપર બેસી ગયો હતો. જેથી તેને
લઈને તેઓ દેવકરણના મુવાડા પહોંચ્યા હતા અને ત્યાંથી પરત આવી રહ્યા હતા તે દરમિયાન
અરજણજીના મુવાડા પાસે સામેથી આવી રહેલા ડાલા સાથે તેમના બાઈકને અકસ્માત થયો હતો
અને જે અકસ્માતની ઘટના બાદ ડાલાના ચાલક એવા તેમના સગા જશવંતસિંહ દલપતસિંહ ચૌહાણ
તેમને તાત્કાલિક સારવાર માટે દહેગામની હોસ્પિટલમાં લઈ ગયા હતા પરંતુ શરીર ગંભીર
ઇજાઓને કારણે ફરજ પરના તબીબ દ્વારા તેમને મૃત જાહેર કરવામાં આવ્યા હતા. જેથી
અકસ્માતની આ ઘટના અંગે દહેગામ પોલીસ દ્વારા સોમસિંહ ચેલાજી ચૌહાણની ફરિયાદના આધારે
ડાલાના ચાલક સામે ગુનો દાખલ કરીને વધુ તપાસ શરૃ કરી છે.