Randhir Jaiswal : ભારતના વિદેશ મંત્રાલયે શુક્રવારે (26 સ્પટેમ્બર) યોજાયેલી સાપ્તાહિક બ્રીફિંગમાં અનેક મહત્વપૂર્ણ વૈશ્વિક અને દ્વિપક્ષીય મુદ્દાઓ પર સ્પષ્ટ અને આકરા નિવેદનો આપ્યા છે. તાજેતરમાં જ NATOના મહાસચિવ માર્ક રૂટે ભારત, ચીન, બ્રાઝિલને ચેતવણી આપી હતી, ત્યારે આ મામલે ભારતે તેમને જડબાતોડ જવાબ આપ્યો છે. આ ઉપરાંત ભારતે ‘યુરોપિયન સંઘની ભારતને સલાહ, H-1B વીઝાની ભારત પર અસર, રશિયન સેનામાં ભારતીય નાગરિકો, બાંગ્લાદેશના મુખ્ય સલાહકાર મોહમ્મદ યુનુસની શેખ હસીના મામલે ભારત પર ટિપ્પણી, તૂર્કેઈના રાષ્ટ્રપ્રમુખે ઉઠાવેલો કાશ્મીર મુદ્દો, અમેરિકન રાષ્ટ્રપ્રમુખ ટ્રમ્પની બગરામ એરબેઝ પર નજર મામલે ભારતનું વલણ’ અંગે પણ જવાબ આપ્યો છે.
1… નાટોના મહાસચિવ માર્ક રુટ આવા નિવેદનો આપતા પહેલા સાવચેત રહે : ભારત
ભારતે સત્તાવાર નિવેદન બહાર પાડીને કહ્યું છે કે, ‘નાટોના મહાસચિવ માર્ક રૂટે (NATO Secretary General Mark Rutte) દ્વારા વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Narendra Modi) અને રશિયાના રાષ્ટ્રપ્રમુખ વ્લાદિમીર પુતિન (Russia President Vladimir Putin) વચ્ચેની કથિત વાતચીતનો દાવો તથ્યાત્મક રીતે ખોટો છે. આવી કોઈ વાતચીત ક્યારેય થઈ નથી. મંત્રાલયે ભવિષ્યમાં આવા નિવેદનો આપતા પહેલા સાવચેતી રાખવા માટે નાટો પ્રમુખને સલાહ પણ આપી.’
માર્ક રૂટે શું કહ્યું હતું?
નાટોના મહાસચિવ માર્ક રુટે 16 જુલાઈએ અમેરિકન કોંગ્રેસના સાંસદ સાથેની મુલાકાત દરમિયાન કડક શબ્દોમાં ચેતવણી આપી હતી કે, ‘સાંભળો… તમે ચીનના પ્રમુખ છો અથવા ભારતના વડાપ્રધાન છો અથવા બ્રાઝિલના પ્રમુખ છો અને તમે હજુ પણ રશિયા સાથે વેપાર કરી રહ્યા છો અને તેનું ક્રૂડ ઓઈલ તથા ગેસ ખરીદી રહ્યા છો તો તમે સમજી લો મોસ્કોમાં બેઠેલો એ માણસ શાંતિ વાટાઘાટોને ગંભીરતાથી નથી લઈ રહ્યો તો હું તમારા પર 100 ટકા સેકન્ડરી ટેરિફ લગાવવા જઈ રહ્યો છું. અમેરિકા દ્વારા નાંખવામાં આ પ્રતિબંધો આ દેશોને ભારે પડી શકે છે. ભારત, બ્રાઝિલ, ચીને પુતિન પર યુક્રેન સાથે શાંતિ વાટાઘાટો માટે દબાણ કરવું જોઈએ. આ દેશો માટે મારું વિશેષ પ્રોત્સાહન એ છે કે કૃપયા વ્લાદિમિર પુતિનને કોલ કરો અને 50 દિવસમાં યુક્રેન સામેનું યુદ્ધ બંધ કરવા કહો. પુતિનને જણાવો કે તેમણે શાંતિ વાટાઘાટો અંગે ગંભીર થવું પડશે, કારણ કે તેમ નહીં થાય તો ભારત, બ્રાઝિલ, ચીન પર તેની વ્યાપકરૂપે પ્રતિકૂળ અસર પડી શકે છે.’
2… પહેલા યુરોપિયન યુનિયન આયાત બંધ કરે, પછી અમને કહે… ભારતનો જવાબ
યુરોપિયન યુનિયન દ્વારા ભારતને રશિયન ઉર્જાની આયાત ઘટાડવાની અપીલ પર વિદેશ મંત્રાલયના પ્રવક્તાએ ઈયુના બેવડા ધોરણો પર સવાલ ઉઠાવ્યા છે. ભારતે કહ્યું કે, રાષ્ટ્રપતિ ટ્રમ્પના કહેવા મુજબ, ED, G7 અને NATOએ પણ રશિયા પાસેથી ઉર્જા આયાત કરવાનું બંધ કરવું જોઈએ. ભારતે ફરીથી સ્પષ્ટ કર્યું કે, તેની ઉર્જા ખરીદી રાષ્ટ્રીય હિત અને જરૂરિયાતોને આધારે થાય છે.
યુરોપિયન યુનિયન ભારતે આપી હતી સલાહ
યુરોપિયન યુનિયન (EU)ના પ્રમુખ ઉર્સુલા વોન ડેર લેયેને 17 સપ્ટેમ્બરે જણાવ્યું હતું કે, હવે સમય આવી ગયો છે કે, આપણે એવા ભાગીદારો પર ધ્યાન કેન્દ્રિત કરવું જોઈએ, જેઓ સામાન્ય મૂલ્યો અને હિતો ધરાવતા હોય. બીજીતરફ EUના ઉપાધ્યક્ષ અને વિદેશ નીતિના પ્રમુખ કાજા કલ્લાસે સ્પષ્ટપણે કહ્યું હતું કે, ‘રશિયા સાથે ભારતના લશ્કરી અભ્યાસ અને તેલની ખરીદી આપણા સંબંધોને ગાઢ બનાવવામાં અવરોધરૂપ છે. ભાગીદારી ફક્ત વેપાર પર આધારિત નથી, પરંતુ નિયમ-આધારિત આંતરરાષ્ટ્રીય વ્યવસ્થાના રક્ષણ પર પણ ટકેલી છે. જ્યારે રશિયા યુક્રેન સાથે યુદ્ધ કરી રહ્યું છે, ત્યારે ભારતનું રશિયન તેલ ખરીદવું અને યુદ્ધ અભ્યાસમાં ભાગ લેવો મુશ્કેલીઓ ઊભી કરે છે.’
3… H-1B વિઝામાં ફી વધારા અંગે ભારતે શું કહ્યું?
ભારતે અમેરિકા દ્વારા H-1B વિઝા ફીમાં વધારો કરવા અને નવા નિયમો લાવવા અંગે ચિંતા વ્યક્ત કરી છે. વિદેશ મંત્રાલયના પ્રવક્તાએ કહ્યું કે, ભારત હંમેશા એ વાત પર ભાર મૂકે છે કે, કુશળ પ્રતિભાઓની ગતિશીલતા અને આદાનપ્રદાનથી બંને દેશોના ટેકનોલોજીકલ વિકાસ, નવીનતા અને આર્થિક વૃદ્ધિમાં મોટી ભૂમિકા ભજવી છે. આ મામલે ભારત સતત અમેરિકી પ્રશાસન અને ઉદ્યોગ સાથે સંપર્કમાં છે.
અમેરિકાએ H-1B વર્ક વિઝા ધારકો પર વધારાની ફી લાદી
ઉલ્લેખનીય છે કે, અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે (US President Donald Trump) 19 સપ્ટેમ્બરે એક વિવાદાસ્પદ નિર્ણય લીધો છે, જેમાં તેમણે H-1B વર્ક વિઝા ધારકો પર 1,00,000 ડૉલર (લગભગ 83 લાખ રૂપિયા)ની વધારાની ફી લાદી છે. આ નવો નિયમ 21 સપ્ટેમ્બર, 2025ની મધ્યરાત્રિથી અમલમાં આવી ગયો છે. ટ્રમ્પે H-1B વિઝા અરજીઓ પર $1,00,000નો ચાર્જ લાદવાના આદેશ પર હસ્તાક્ષર કર્યા છે, જેમાં તેમણે આ કાર્યક્રમના દુરુપયોગને રાષ્ટ્રીય સુરક્ષા માટે ખતરો ગણાવ્યો છે. તેમણે કહ્યું કે, ‘H-1B વિઝાનો હેતુ અતિ-કુશળ કામદારોને લાવવાનો છે, પરંતુ તેનો ઉપયોગ અમેરિકન કામદારોની જગ્યાએ સસ્તા અને ઓછા પ્રશિક્ષિત કામદારો માટે કરવામાં આવી રહ્યો છે.’ ટ્રમ્પે દાવો કર્યો કે કેટલીક આઉટસોર્સિંગ કંપનીઓ વિઝા છેતરપિંડી અને મની લોન્ડરિંગ જેવી ગેરકાયદેસર પ્રવૃત્તિઓમાં સામેલ હોવાનું પણ જણાયું છે.
4… રશિયન સેનામાં ભારતીય નાગરિકો અંગે વિદેશ મંત્રાલયે શું કહ્યું ?
રશિયા અને યુક્રેન વચ્ચે ઘણા સમયથી યુદ્ધ (Russia-Ukraine war) ચાલી રહ્યું છે. રશિયા સેનામાં જોડાવવા માટે લાલચ આવી રહ્યું છે. રશિયન સેનામાં અનેક ભારતીયોને સામેલ કરાયા હોવાની વાતો પણ સામે આવી રહી છે, ત્યારે વિદેશ મંત્રાલયે આ મામલે કહ્યું છે કે, ‘હાલમાં 27 ભારતીય નાગરિકો રશિયન સેનામાં સેવા આપી રહ્યા છે. ભારતે વારંવાર પોતાના નાગરિકોને ચેતવણી આપી છે કે તેઓ આવા પ્રસ્તાવથી દૂર રહે, કારણ કે તે જીવલેણ અને જોખમી સાબિત થઈ શકે છે.’
5… શેખ હસીના મામલે યુનુસની ટિપ્પણીનો ભારતે આપ્યો જવાબ
બાંગ્લાદેશના મુખ્ય સલાહકાર મોહમ્મદ યુનુસ (Muhammad Yunus) તાજેતરમાં ન્યૂયોર્ક ગયા હતા, જ્યાં તેમણે ભારતમાં આશ્રય લઈ રહેલા બાંગ્લાદેશના પૂર્વ વડાંપ્રધાન શેખ હસીનાનો ઉલ્લેખ કરીને ભારત પર ટિપ્પણી કરી હતી. ત્યારે ભારતે આ મુદ્દે જવાબ આપીને કહ્યું છે કે, ‘શેખ હસીના અંગે ભારતની સ્થિતિ સ્પષ્ટ છે અને તેમાં કોઈ ગૂંચવણનો અવકાશ નથી. ભારતનું વલણ પહેલા પણ સ્પષ્ટ હતું અને ભવિષ્યમાં પણ તેવું જ રહેશે.’ આ સાથે ભારતે નેપાળ અને અન્ય પડોશી દેશો મામલે પણ લોકશાહી અને શાંતિપૂર્ણ પરિવર્તન અપેક્ષાનો પુનરોચ્ચાર કર્યો છે.
યુનુસ ભારત અંગે શું બોલ્યા હતા?
યુનુસે ગુરુવારે (25 સપ્ટેમ્બર) ભારત-બાંગ્લાદેશ સંબંધો પર વિવાદાસ્પદ નિવેદન આપ્યું હતું. તેમણે કહ્યું કે, ‘બંને દેશો વચ્ચે સમસ્યા છે, કારણ કે અમારા દેશમાં ગત વર્ષે વિદ્યાર્થીઓનું આંદોલન થયું હતું, જે ભારતને પસંદ આવ્યું નથી. આજ કારણે શેખ હસીનાએ પદ પરથી હટવું પડ્યું હતું. ભારત તેમની મેજબાની કરીરહ્યું છે, જે અમારા દેશમાં અનેક પ્રકારની સમસ્યાનું કારણ છે. ભારતીય મીડિયાએ આંદોલન અંગે ખોટા રિપોર્ટિંગ કર્યા, જેના કારણે બંને દેશો વચ્ચે તણાવ વધુ વધ્યો છે. ભારતની પ્રોપેંગેડા જેવી નીતિ અમને ઈસ્લામિસ્ટ અને તાલિબાનની જેમ રજૂ કરી રહી છે. શું તમને મને તાલિબાની કહેશો. તેઓ મને તાલિબાની વડો કહે છે.’
6… તૂર્કેઈના રાષ્ટ્રપ્રમુખને કાશ્મીર મુદ્દે ઉઠાવતા ભારતે આપ્યો જવાબ
તુર્કિયેના રાષ્ટ્રપતિ દ્વારા સંયુક્ત રાષ્ટ્ર મહાસભામાં કાશ્મીર મુદ્દો ઉઠાવવા બદલ વિદેશ મંત્રાલયે કડક શબ્દોમાં પ્રતિક્રિયા આપી છે. પ્રવક્તા જયસ્વાલે કહ્યું કે, કાશ્મીર અંગે ભારતનું વલણ જાણીતું છે અને આ અમારો આંતરિક મામલો છે.
તૂર્કેઈના રાષ્ટ્રપ્રમુખે શું કહ્યું હતું?
તુર્કિયેના રાષ્ટ્રપતિ રેસેપ તૈયપ એર્દોગને 23 સપ્ટેમ્બરે સંયુક્ત રાષ્ટ્ર મહાસભા (UNGA)માં કાશ્મીરનો મુદ્દો ઉઠાવી કહ્યું હતું કે, ‘કાશ્મીરની સમસ્યાનો ઉકેલ વાતચીત દ્વારા થવો જોઈએ અને આ ઉકેલ UNSCના નિર્ણયો અને કાશ્મીરી લોકોની ઈચ્છા મુજબ હોવો જોઈએ.’ એર્દોગને ભારત અને પાકિસ્તાનને વાતચીત કરવાની સલાહ આપી હતી અને દક્ષિણ એશિયામાં શાંતિની જરૂરિયાત પર ભાર મૂક્યો હતો. તેમણે ભારત અને પાકિસ્તાન વચ્ચે એપ્રિલમાં થયેલા યુદ્ધવિરામનું સ્વાગત કર્યું હતું. આ સાથે જ તેમણે ઈશારામાં પાકિસ્તાનને આતંકવાદના મુદ્દે નિર્દોષ ગણાવવાનો પ્રયાસ પણ કર્યો હતો.
7… ‘અફઘાનના એરબેઝ પર અમેરિકાને રસ’ અંગે ભારતે શું કહ્યું?
અફઘાનિસ્તાનના બગરામ એરબેઝ અંગે રાષ્ટ્રપતિ ટ્રમ્પની રુચિ પર વિદેશ મંત્રાલયે કહ્યું કે, આ મામલે ભારતની સ્થિતિ પહેલેથી જ સ્પષ્ટ છે. ભારતે અફઘાનિસ્તાનના બગરામ એરબેઝને લઈને અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા વ્યક્ત કરાયેલી રુચિ અંગે પોતાનું વલણ સ્પષ્ટ કર્યું છે. વિદેશ મંત્રાલયે આ મુદ્દે કહ્યું છે કે, ‘એરબેઝને લઈને ભારતની સ્થિતિ પહેલેથી જ સ્પષ્ટ છે.’ જોકે ભારતે ક્યારેય સત્તાવાર રીતે બરગામ એરબેઝનો ઉપયોગ કરવાની કે ત્યાં સૈન્ય તૈનાત કરવાની જાહેરાત કરી નથી. ભારતનું વલણ સામાન્ય રીતે અફઘાનિસ્તાનમાં શાંતિ, સ્થિરતા અને વિકાસને સમર્થન આપવાનું રહ્યું છે અને તે અફઘાનિસ્તાન દ્વારા સંચાલિત શાંતિ પ્રક્રિયાનો હંમેશા પક્ષકાર રહ્યું છે.