નવી દિલ્હી : ટેરિફના હાઉ વચ્ચે તેનો અમલ થાય તે પહેલાંથી જ ઘણા અમેરિકાથી ભારતને મળતા માત્ર નવા ઓર્ડરના પ્રવાહમાં ઘટાડો થયો નથી પરંતુ હાલના ઓર્ડર પણ મુલતવી રાખવામાં આવ્યા છે. આ સાવધ અભિગમ ખૂબ જ મહત્વપૂર્ણ છે કારણ કે અમેરિકા ભારત માટે સૌથી મોટું નિકાસ બજાર છે. નાણાકીય વર્ષ ૨૦૨૫ માં એપ્રિલથી ફેબુ્રઆરી દરમિયાન, અમેરિકામાં ૭૬.૪ બિલિયન ડોલરના માલની નિકાસ કરવામાં આવી હતી, જે દેશની કુલ નિકાસના લગભગ ૨૦ ટકા છે.
નિકાસકારોએ જણાવ્યું હતું કે પશ્ચિમ યુરોપિયન દેશોના ઓર્ડરને પણ અસર થઈ છે કારણ કે આ દેશોને પણ યુએસ સાથે યુરોપિયન યુનિયન તણાવની અસરનો સામનો કરવો પડશે. ભારતીય નિકાસકારોની સંસ્થા ફીફોએ જણાવ્યું હતું કે યુએસ ખરીદદારો કાઉન્ટરવેલિંગ ડયુટીના અમલીકરણ અંગેની અનિશ્ચિતતા સમાપ્ત થવાની અને પરિસ્થિતિ સ્પષ્ટ થવાની રાહ જોઈ રહ્યા હોવાથી ઓર્ડર ફ્લો અટકી ગયો છે.
આવી સ્થિતિમાં ભારત સહિત અન્ય ઘણા દેશો માટે તેનાથી નિપટવા માટે કોઈ નક્કર વ્યૂહરચના બનાવવી મુશ્કેલ બની ગઈ છે.
હજી એ સ્પષ્ટ નથી કે વધારાની ડયુટીનો બોજ ગ્રાહકો પર નાખવામાં આવશે કે નિકાસકારો/આયાતકારો પોતે જ બોજ ઉઠાવશે. આ તમામ બાબતો પર વિચાર કરવાની જરૂર છે અને તે પછી જ નિર્ણય લેવામાં આવશે. આ કન્સાઈનમેન્ટને હાલ પૂરતું રોકવા માટે કહેવામાં આવ્યું છે.
કન્ફેડરેશન ઓફ ઈન્ડિયન ટેક્સટાઈલ ઈન્ડસ્ટ્રીઝે જણાવ્યું હતું કે કેટલાક ગ્રાહકોએ હાલ પૂરતું શિપમેન્ટ બંધ કરવાનું કહ્યું છે. પરંતુ ઓછા ઓર્ડરનું તાત્કાલિક જોખમ નથી. અગાઉ આપવામાં આવેલા ઓર્ડરો પૂરા થશે.