અમદાવાદ, રવિવાર
ઓઢવમાં એકતરફી પ્રેમમાં પાગલ યુવકે પડોશમાં રહેતી યુવતીને કારમાં અપહરણ કરવાનો પ્રયાસ કર્યો હતો. જો કે દસ દિવસ પહેલા પણ થલતેજમાં આવી હરકત કરી હતી. આ બનાવ અંગે ઓઢવ પોલીસે ગુનો નોધી વધુ તપાસ હાથ ધરી છે.
મોબાઇલ ફેંકીને પકડીને કારમાં બેસાડવા પ્રયત્ન દસ દિવસ પહેલા થલતેજમાં પણ આવી હરકત કરેલી
ઓઢવ વિસ્તારમાં રહેતી અને થલતેજ વિસ્તારમાં ખાનગી કંપનીમાં નોકરી કરતી ૨૦ વર્ષની યુવતીએ પડોશમાં રહેતા યુવક સામે ફરિયાદ નોંધાવી છે કે આરોપી યુવક સાથે તેને બે વર્ષથી મિત્રતા હતી જો કે પાંચ મહિનાથી તેની સાથે કોઇ સંબંધ નથી યુવતી ગઇકાલે સવારે નોકરી જવા માટે ચાલતી જતી હતી. જ્યાં આરોપી કાર લઇને આવ્યો હતો અને બેગ પકડી રસ્તામાં ઉભી રાખ્યા બાદ મોબાઇલ ફેંકી દીધા બાદ હાથ અને ગળેથી પકડીને કારમાં બેસાડવા પ્રયાસ કર્યો હતો.
જો કે યુવતીએ બુમાબુમ કરતાં તે નાસી ગયો હતો, બીજીતરફ દસ દિવસ પહેલા પણ આરોપીએ થલતેજ વિસ્તારમાં પેલેડીયમ મોલ પાસે પણ હાથ પકડીને કારમાં બેસાડવા દબાણ કર્યું હતું. આમ અવાર નવાર હેરાન પરેશાન કરતા આખરે કંટાળીને યુવતીએ ફરિયાદ કરતાં ઓઢવ પાલીસે આરોપી સામે ગુનો નોંધીને સીસીટીવી ફૂટેજ આધારે વધુ તપાસ હાથ ધરી છે.