વડોદરાઃ ભાગ્યે જ જોવા મળે તેવી ઘટનામાં વડોદરા શહેર નજીક માનવ સર્જિત બાંધકામમાં શાહીન બાજે ઈંડા મૂકયા હોવાનું સામે આવ્યું છે.શાહીન બાજ લુપ્ત થતા પક્ષીઓની કેટેગરીમાં છે.સામાન્ય રીતે તે ઉંચા ખડક કે કરાડ જેવી કુદરતી જગ્યામાં ઈંડા મૂકવાનું પસંદ કરે છે.
શહેરના પર્યાવરણ એક્ટિવિસ્ટ અને વાઈલ્ડ લાઈફ ફોટોગ્રાફર કાર્તિક ઉપાધ્યાય કહે છે કે,ગત ડિસેમ્બર માસમાં હું મહિસાગર કિનારે લટાર મારવા નીકળ્યો હતો ત્યારે અચાનક શાહીન બાજની જોડીને આકાશમાં ચકરાવા લેતા જોઈ હતી.વધારે તપાસ કરતા નજીકના ૧૮ મીટર ઉંચા અને અવાવારુ સિમેન્ટ પિલર પર માદા બાજે ત્રણ ઈંડા મૂકયા હોવાનું જોવા મળ્યું હતું..એ પછી વૈજ્ઞાાનિક ઢબે તેનો વધારે અભ્યાસ કરવા માટે મેં આ ક્ષેત્રના નિષ્ણાત અને અમદાવાદ યુનિવર્સિટીના સંશોધક દેવવ્રતસિંહ મોરીનો સંપર્ક કર્યો હતો.દેવવ્રતસિંહ મોરીની સાથે વડોદરાના નિષ્ણાત રાજુ વ્યાસ અને મિત્તલ પટેલ પણ જોડાયા હતા.કાર્તિકભાઈના કહેવા અનુસાર મે મહિના સુધી ડોમ કેમેરા અને ટ્રેપ કેમેરા વડે નર અને માદા બાજની જોડી અને તેમના માળાનું નિરિક્ષણ કરવામાં આવ્યું હતું.તેમના વર્તન, ખોરાક તથા ઈંડાના સેવનનો અમે અભ્યાસ કર્યો હતો.આ અભ્યાસે સાબિત કર્યું છે કે, શાહીન બાજ ગુજરાતમાં બચ્ચા મૂકે છે.ગુજરાતમાં તેમના પ્રજનનનું ડોક્યુમેન્ટેશન થયું હોય તેવી આ બીજી ઘટના છે.
અગાઉ પાવાગઢમાં નેસ્ટિંગ જોવા મળેલું છે
ભારતમાં શાહીન બાજ જોવા મળે છે.ગુજરાતમાં પણ તેનું અસ્તિત્વ છે.મધ્ય ગુજરાતમાં પાવાગઢના ખડકો પર, સ્ટેચ્યુ ઓફ યુનિટી પર તેમજ સિંધરોટના મહિસાગર બ્રિજ પાસે પણ શાહીન બાજે ભૂતકાળમાં નેસ્ટિંગ કર્યું હતું.આ સીવાય ગુજરાતમાં જૂનાગઢ નજીક અને ઉત્તર ગુજરાતમાં જેસોર નજીકના ઉંચા ડુંગરા પર તેની નેસ્ટિંગ સાઈટ જોવા મળી ચૂકેલી છે.
૨૫૦ કિમીની ઝડપે ઊડી શકે છે, એક સમયે ત્રણેક ઈંડા મૂકે છે, ચોક્કસ વસ્તી જાણવી મુશ્કેલ
કાર્તિક ઉપાધ્યાય શાહીન બાજની ખાસિયતો વર્ણવતા કહે છે કે,
–શાહીન બાજ ૨૫૦ થી ૩૦૦ કિમીની ઝડપે ઉડી શકે છે.ફાઈટર જેટની ડિઝાઈન તેમાંથી પ્રેરણા લઈને બનાવાઈ છે.
–માદા બાજ ત્રણેક ઈંડા મૂકે છે અને આ દરમિયાન નર પક્ષી ખોરાકની વ્યવસ્થા કરે છે.
–ઈંડામાંથી બચ્ચા નીકળે તે બાદ એકાદ મહિનામાં બચ્ચાને પીંછા આવી જાય છે અને થોડા સમયમાં તે ઉડવાનું શીખી જાય છે.બચ્ચાને જાતે શિકાર કરતા આવડી જાય તે પછી નર અને માદાની જોડી સામાન્ય રીતે બીજી જગ્યાએ સ્થળાંતર કરતી હોય છે.
–આ પક્ષી પિંજરામાં તો લગભગ ૩૦ થી ૪૦ વર્ષ જીવે છે પણ કુદરતી વાતાવરણમાં તેની આવરદા કેટલી હોય છે તે હજી સુધી જાણી શકાયું નથી.
–શાહીન બાજની સંખ્યા ઘણી ઓછી છે એટલે તેની ચોક્કસ વસ્તી જાણવા મુશ્કેલ છે.
–ઉત્તરાયણમાં પતંગના દોરાથી શાહીન બાજ ઘાયલ થયું હતું એટલે વડોદરા આસપાસ તેની વસતી હોય તેવું બની શકે છે.
બદલાતા સંજોગો સાથે અનુકૂલન સાધવાનો પ્રયાસ
નિષ્ણાતોના મતે શાહીન બાજ પક્ષી ઈંડા મૂકવા માટે માનવ સર્જિત બાંધકામ પસંદ કરે તો તેનો મતલબ એ છે કે, અન્ય પક્ષીઓની જેમ તે પણ બદલાતા સંજોગો સાથે અનુકૂલન સાધવાનો પ્રયાસ કરી રહ્યું છે.
વિશ્વામિત્રી નદીની કામગીરીમાં મગર અને કાચબાના ૧૬૦ ઈંડાને નુકસાન
ગત વર્ષે આવેલા પૂર બાદ વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા શહેરમાં વિશ્વામિત્રી નદીના પટને પહોળો કરવાની કામગીરી ચાલી રહી છે અને આ કામગીરી પર નજર રાખી રહેલા ગુજરાત સ્ટેટ હ્યુમન રાઈટ્સ કમિશનના રિપોર્ટમાં નવો ખુલાસો થયો છે.
નદીના પટમાં થઈ રહેલી કામગીરીમાં મગર અને કાચબા( સોફટ શેલ ટર્ટલ)ના ઈંડાને નુકસાન થયું છે.જેમાં
મળતી જાણકારી અનુસાર મગરના ૮૮ ઈંડા પૈકી ૩૪ અને કાચબાના ૨૮૪ પૈકી ૧૨૬ ઈંડાનો એમ કુલ ૧૬૦ ઈંડાનો સમાવેશ થાય છે.
આ નુકસાન થવા પાછળનું કારણ સ્પષ્ટ થયું નથી.રખડતા કુતરા કે બીજા પ્રાણીઓ કે પછી ઈંડાને અન્ય જગ્યાએ ખસેડવાની કામગીરી પણ જવાબદાર હોઈ શકે છે.