ગાંધીનગર નજીક આવેલા પેથાપુરમાં
પિતા-પુત્ર અને કોન્ટ્રાક્ટર દ્વારા માર મરાતા ઘાયલ વેપારીને સારવાર માટે ખસેડાયા ઃ પોલીસે ગુનો દાખલ કર્યો
ગાંધીનગર : ગાંધીનગર શહેર નજીક આવેલા પેથાપુરમાં કલરની દુકાન ધરાવતા
વેપારીને કલર બદલી આપવાનું કહીને પેથાપુર ગામમાં જ રહેતા પિતા પુત્ર અને
કોન્ટ્રાક્ટર દ્વારા માર મારીને હુમલો કરવામાં આવ્યો હતો. ઘાયલ વેપારીને સારવાર
માટે ખસેડવામાં આવ્યા હતા ત્યારે આ અંગે પેથાપુર પોલીસે ગુનો દાખલ કર્યો છે.
આ ઘટના અંગે પોલીસ સૂત્રોમાંથી મળતી વિગતો પ્રમાણે ગાંધીનગર
શહેર નજીક આવેલા પેથાપુરમાં ક્રિષ્ના ટ્રેડર્સ નામની કલરની દુકાન ધરાવતા ભાવિક
ચંદ્રકાંતભાઈ પટેલ દ્વારા ફરિયાદ નોંધાવવામાં આવી હતી કે, ગત શુક્રવારના
રોજ તેમ તેમની દુકાનમાંથી પેથાપુર ખાતે રહેતા દલજીતસીંહ હરીસિંહ ઉદાવત ૧૪ લીટર
જેટલો કલર લઈ ગયા હતા. જોકે આ કલર તેમને અનુકૂળ નહીં આવતા ગઈકાલે તેઓ બપોરના સમયે
તેમના પુત્ર જયરાજસિંહ અને કોન્ટ્રાક્ટર દર્શન પંચાલ સાથે દુકાન ઉપર આવ્યા હતા અને
કલર બદલી આપવા અથવા તો રૃપિયા પાછા આપવાની માંગણી કરી હતી. જેના પગલે ભાવિકભાઈ
દ્વારા કલર બનાવવાના મશીનમાં ખામી હોવાથી રીપેર થયા બાદ જ કલર આપી શકાશે તેમ
કહ્યું હતું ત્યારબાદ તેમના વચ્ચે ઉગ્ર ચાલી થઈ હતી અને દલજીતસિંહ દ્વારા ઝઘડો શરૃ
કરીને તેમને માર મારવામાં આવ્યો હતો અને તેમના પુત્ર દ્વારા પણ હુમલો કરીને
ભાવિકભાઈના ભાઈ ઉમેશ પટેલને પણ માર્યો હતો. આ દરમિયાન કોન્ટ્રાક્ટર દર્શન પંચાલ
દ્વારા પણ પ્લાસ્ટિકનું સ્ટૂલ ભાવિકભાઈના માથામાં મારવામાં આવતા લોહી નીકળવા
લાગ્યું હતું અને ગંભીર ઇજાઓ પહોંચી હતી. જેના પગલે બૂમાબૂમ થઈ જતા આસપાસના લોકો
દોડી આવ્યા હતા અને આ શખ્સો આજ તો જવા દઉં છું, હવે પછી તને છોડું નહીં અને તું બહાર મળીશ તો તને જાનથી
મારી નાખીશુ તેવી ધમકી આપીને નીકળી ગયા હતા બીજી બાજુ ઘાયલ ભાવિકભાઈને ૧૦૮
એમ્બ્યુલન્સ મારફતે સારવાર માટે ગાંધીનગર સિવિલમાં ખસેડવામાં આવ્યા હતા અને આ અંગે
પોલીસે ગુનો દાખલ કરીને વધુ તપાસ શરૃ કરી છે.