Rain in Junagadh: ગુજરાતમાં 28મી સપ્ટેમ્બરે મેઘરાજાએ તોફાની બેટિંગ કરી હતી. બંગાળની ખાડીમાં સર્જાયેલી સિસ્ટમની અસરને પગલે સૌરાષ્ટ્ર, દક્ષિણ અને મધ્ય ગુજરાતના ભારે વરસાદ ખાબક્યો હતો. ત્યારે આજે (29મી સપ્ટેમ્બર) જૂનાગઢના માંગરોળ, માળિયા હાટીના, કેશોદમાં વહેલી સવારથી વરસાદે એન્ટ્રી કરી છે. માંગરોળમાં આજે સવારે પોણા ત્રણ ઈંચ, માળિયા હાટીનામાં એક ઈંચ, કેશોદમાં અત્યાર સુધીમાં અડધો ઈંચ જેટલો વરસાદ નોંધાયો છે.
ભારે વરસાદની આગાહી વચ્ચે દરિયામાં કરંટ જોવા મળ્યો
મળતી માહિતી અનુસાર, બંગાળની ખાડીમાં સર્જાયેલી સિસ્ટમની અસર હવે સૌરાષ્ટ્રના દરિયાકાંઠા પર જોવા મળી રહી છે. ભારે વરસાદની આગાહી અને દરિયામાં કરંટ વધવાની સંભાવનાને પગલે ઓખા, પોરબંદર અને વેરાવળના બંદરો પર 3 નંબરનું સિગ્નલ લગાવી દેવામાં આવ્યું છે. જ્યારે જાફરાબાદ, પીપાવાવ અને જામનગરના બેડી બંદરે 2 નંબરનું સિગ્નલ મુકાયું હતું. સૌરાષ્ટ્રની દરિયાઈ પટ્ટી ઉપર વરસાદની આગાહી થઈ છે ત્યારે ઓખા, પોરબંદર, વેરાવળ બંદરીય વિસ્તારોના વાતાવરણમાં પણ સવારથી પલટો આવ્યો હતો.
આ પણ વાંચો: 24 કલાકમાં રાજ્યના 232 તાલુકામાં મેઘમહેર, ગીર સોમનાથના સૂત્રાપાડામાં 8.03 ઈંચ ખાબકતાં જળબંબાકાર
વરસાદની આગાહીના લીધે ખેલૈયાઓ ચિંતામાં
હવામાન વિભાગે આગામી 4 ઓક્ટોબર સુધી રાજ્યમાં ભારે વરસાદની આગાહી કરી છે. સોમવારે અમરેલી અને ગીર સોમનાથ જિલ્લામાં અતિભારે વરસાદ પડવાની શક્યતા છે. આ ઉપરાંત, જૂનાગઢ, ગીર સોમનાથ, નવસારી અને વલસાડ જિલ્લામાં પણ ભારે વરસાદની ચેતવણી આપવામાં આવી છે. નવરાત્રિના તહેવાર દરમિયાન ભારે વરસાદની આગાહીએ ખેલૈયાઓની ચિંતા વધારી દીધી છે.