Sevanth Day School News: અમદાવાદ શહેરની સેવન્થ ડે સ્કૂલમાં વિદ્યાર્થીની હત્યાના એક મહિના બાદ મહત્વનો નિર્ણય લીધો છે. બોર્ડની પરીક્ષાને ધ્યાનમાં રાખીને ધોરણ 10 અને 12ના ઓફલાઇન વર્ગો આગામી શુક્રવારથી શરૂ કરવામાં આવશે. શાળાના આ નિર્ણયથી અંદાજે 10,000 વિદ્યાર્થીઓને સીધો લાભ થશે.
જિલ્લા શિક્ષણ અધિકારી જણાવ્યા અનુસાર હાલ પૂરતું ધોરણ 10 અને 12ના વર્ગો શરૂ થઈ રહ્યા છે, પરંતુ ધીમે ધીમે બાકીના ધોરણના ઓફલાઇન વર્ગો પણ શરૂ કરવામાં આવશે. આ નિર્ણય વિદ્યાર્થીઓના શૈક્ષણિક ભવિષ્યને ધ્યાનમાં રાખીને લેવામાં આવ્યો છે.
વર્ગો શરૂ થાય તે પહેલાં સરકાર દ્વારા નિમાયેલા બે ઓબ્ઝર્વર શાળાનું નિરીક્ષણ કરશે. શાળા દ્વારા વિદ્યાર્થીઓની સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે તમામ જરૂરી પગલાં લેવામાં આવી રહ્યા છે. આ નિર્ણયથી લાંબા સમયથી ઓનલાઇન શિક્ષણ પર નિર્ભર રહેલા વિદ્યાર્થીઓને ફરીથી રૂબરૂ શિક્ષણનો લાભ મળશે, જેનાથી તેઓ બોર્ડની પરીક્ષા માટે વધુ સારી રીતે તૈયારી કરી શકશે.
શું હતી ઘટના?
અમદાવાદમાં ધોરણ-8માં અભ્યાસ કરતા વિદ્યાર્થીએ અન્ય 7-8 વિદ્યાર્થીઓ સાથે મળીને 10માં ધોરણમાં અભ્યાસ કરતા વિદ્યાર્થી પર હુમલો કરતા તેને ચપ્પુ મારી દીધું હતું. હકીકતમાં, હુમલો કરનાર વિદ્યાર્થી અને પીડિત વિદ્યાર્થીનો થોડા દિવસ પહેલાં ધક્કામુક્કીના મામલે ઝઘડો થયો હતો. આ ઝઘડાની અદાવત રાખી આરોપી વિદ્યાર્થીએ સ્કૂલમાંથી છૂટ્યા બાદ 7-8 અન્ય વિદ્યાર્થીને ભેગા કરી બદલો લેવા માટે ધોરણ-10માં અભ્યાસ કરતા વિદ્યાર્થી પર ચપ્પાનો વાર કર્યો હતો. ત્યારબાદ વિદ્યાર્થી લોહીલુહાણ થઈ ગયો અને બાદમાં તેને તાત્કાલિક ધોરણે સારવાર અર્થે હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો. જોકે, સારવાર દરમિયાન હવે વિદ્યાર્થીનું મોત નિપજ્યું છે.