અમદાવાદ : ભારતમાં એસેટ રિકન્સ્ટ્રક્શન કંપનીઓએ એપ્રિલ-જૂન, ૨૦૨૫ના ક્વાર્ટરમાં રૂ. ૧૬,૮૭૬ કરોડની બેડ લોન ખરીદી હતી, જે વાર્ષિક ધોરણે ૨૨ ટકાનો વધારો દર્શાવે છે. એસોસિએશન ઓફ એઆરસી ઇન ઇન્ડિયાના ડેટા અનુસાર એપ્રિલ-જૂન, ૨૦૨૪માં રૂ. ૧૩,૮૫૨ કરોડની બેડ લોનમાં નોન-પર્ફોર્મિંગ એસેટ્સ અને ૯૦ દિવસની બેડ લોનનો સમાવેશ થયો હતો.
એસોસિએશને સિસ્ટમમાં બેડ લોન વધવાના જોખમ પર પ્રકાશ પાડયો હતો. અમેરિકા દ્વારા ઊંચા ટેરિફને કારણે ભારતમાંથી માલની નિકાસ પર અસર થતા અનેક નાના એકમોની ઋણ પરત કરવાની ક્ષમતા પર અસર પડશે અને બેડ લોનમાં વધારો સંભવ છે.
નાણાંકીય વર્ષ ૨૦૨૬માં રૂ. ૪૩૮૮ કરોડની સિક્યોરિટી રિસિપ્ટ (એસઆર) જારી કરી, જે પ્રથમ કવાર્ટરમાં જારી કરાયેલ રૂ. ૩૬૭૮ કરોડથી ૧૯.૩ ટકા વધુ છે. એપ્રિલ-જૂનમાં સિક્યોરિટી રિસિપ્ટમાંથી ભંડોળ એકત્ર કરવાનો દર વાર્ષિક ધોરણે ૨૨ ટકા વધ્યો હતો.
નાણાકીય વર્ષ ૨૦૨૬ના પ્રથમ કવાર્ટરમાં સિક્યોરિટી રિસિપ્ટમાંથી એકત્ર કરાયેલ રકમ રૂ. ૭૭૨૫ કરોડ હતી અને તે ગત વર્ષના રૂ. ૬૩૧૦ કરોડ કરતા વધુ હતી. આમ બાકી સિક્યોરિટી રિસિપ્ટ એટલેકે એસેટ અન્ડર મેનેજમેન્ટ જૂન ૨૦૨૫ના અંતે ઘટીને રૂ. ૧.૩૦ લાખ કરોડ થઈ ગઈ છે, જે જૂન ૨૦૨૪માં રૂ. ૧.૩૬ લાખ કરોડ હતી.