Vadodara News: ગુજરાતમાં સતત વરસાદ પડી રહ્યો છે. એક પછી એક વરસાદી સિસ્ટમ સક્રિય થતાં અને ઉપરવાસમાં ભારે વરસાદને પગલે નદીઓ પણ બે કાંઠે વહેલી થઈ છે અને કેટલીક નદીઓમાં પૂરની સ્થિતિ જોવા મળી રહી છે. વડોદરાની વાત કરીએ તો ઢાઢર નદી ગાંડીતૂર બની છે. જેના પાણી ફરી વળ્યા છે. ઉપરવાસમાં વધુ વરસાદને પગલે ઢાઢર નદીમાં પૂરની સ્થિતિ સર્જાઈ છે. આ દરમિયાન શહેરમાં વરસાદી માહોલમાં ડૂબી જતા તથા પડી જતા ત્રણ લોકોના મૃત્યુ નિપજ્યા અહેવાલ સામે આવ્યા છે.
જુદી જુદી દુર્ઘટનામાં ત્રણ લોકોના મોત
મળતી માહિતી અનુસાર, વડોદરા જિલ્લાના શાહપુરા ગામના વૃદ્ધ છઠ્ઠી સપ્ટેમ્બર બપોર બાદ કુદરતી હાજર માટે ગામથી હાશજીપુરા ગામ જતા રોડ પર ચાલતા નીકળ્યા હતા. આ દરમિયાન ભારે વરસાદના કારણે ઢાઢર નદીના પાણી રસ્તા પર આવી ગયા હતા. અકસ્માતે પગ લપસી જવાથી નજીકના કાંસમાં ડૂબી ગયા હતા. તેમનો મૃતદેહ બીજા દિવસે મળી આવ્યો હતો. આ મામલે પોલીસે આગળની તપાસ કરી છે.
આ પણ વાંચો: પંચમહાલ: ઘોઘંબામાં મેઘમહેર, કરાડ ડેમ છલકાયો; 24 ગામોને એલર્ટ, અનેક રસ્તાઓ બંધ
કરજણ તાલુકાના માંગલેજ ગામના 40 વર્ષના દશરથ રાઠોડિયા સાતમી સપ્ટેમ્બરે બપોરે 12 વાગ્યે વરસતા વરસાદમાં ઘરેથી નીકળ્યા હતા. ભારે વરસાદના કારણે ગામ નજીકથી વહેતી રંગાઈ નદીમાં નવા નીર આવ્યા હતા. તેને જોવા માટે ગયા હતા, ત્યારે પગ લપસી જવાથી તે ઊંડા પાણીમાં ગરકાવ થઈ જતા તેનું મોત નિપજ્યું હતું.
બીજી તરફ ઈટોના ગામના ગારા વિસ્તારમાં આવેલા સિકોતર નગરમાં રહેતા 54 વર્ષીય આધેડ ઘરેથી નીકળી ગયા બાદ તેમનો મૃતદેહ કોઠવાડા ગામની ઢાઢર નદીમાંથી મળ્યો હતો. નદીમાં પૂર આવ્યું હોવાથી તે ડૂબી ગયા હતા. પાદરા પોલીસે આ મામલે કાર્યવાહી હાથ ધરી છે.