મહાપાલિકામાં બે દિવસમાં 8,036 કરદાતાએ રૂા. 3.85 કરોડનો વેરો ભર્યો
રીબેટ યોજનાના પગલે મહાપાલિકાની કેશબારીએ વેરો ભરવા કરદાતાઓનો ધસારોઃ 2,079 કરદાતાએ રૂ.93 લાખનો વેરો ભર્યો
કુલ 5,860 કરદાતામાંથી 3,781 કરદાતાએ રૂા. 1.94 કરોડનો ઓનલાઈન વેરો ભરપાઇ કર્યો
ભાવનગર: ભાવનગર મહાનગરપાલિકામાં છેલ્લા બે દિવસથી મિલ્કત વેરો સ્વિકારવાનુ શરૂ થયુ છે, જેમાં ગઈકાલે બુધવારે માત્ર ઓનલાઈન વેરો સ્વિકારવામાં આવ્યો હતો, જયારે આજે ગુરૂવારે કેશબારીએ તેમજ ઓનલાઈન વેરો સ્વિકારવામાં આવ્યો હતો. રીબેટ યોજનાના પગલે મહાપાલિકાની કેશબારીએ વેરો ભરવા કરદાતાઓનો ધસારો જોવા મળ્યો હતો. ઓનલાઈન વધુ ર ટકા રીબેટ મળતુ હોવાથી વધુ કરદાતાઓ ઓનલાઈન વેરો ભરી રહ્યા છે.
ભાવનગર મહાનગરપાલિકામાં ગઈકાલે બુધવારથી નાણાંકીય વર્ષ ર૦રપ-ર૬ નો મિલ્કત વેરો સ્વીકારવાનુ શરૂ કરવામાં આવેલ છે અને મિલ્કત વેરો ભરનારને કરદાતાઓને રીબેટ યોજનાનો લાભ આપવામાં આવી રહ્યો છે, જેમાં ગતરોજ માત્ર ઓનલાઈન વેરો સ્વિકારવામાં આવ્યો હતો, જયારે આજે વેરો સ્વિકારવા કેશબારી ખોલવામાં આવી હતી. મહાપાલિકામાં બે દિવસમાં શહેરના કુલ ૮,૦૩૬ કરદાતાઓ દ્વારા રૂા.૩.૮૫ કરોડનો વેરો ભરપાઈ કરવામાં આવ્યો છે. આજે પ,૮૬૦ કરદાતાએ રૂા. ર.૮૭ કરોડનો ઓનલાઈન અને ઓફલાઈન વેરો ભર્યો હતો, જેમાં મનપાની કેશબારીએ ર,૦૭૯ કરદાતાએ રૂા. ૯૩ લાખનો ઓફલાઈન વેરો ભર્યો હતો, જયારે ૩,૭૮૧ કરદાતાએ રૂા. ૧.૯૪ કરોડનો ઓનલાઈન વેરો ભર્યો હતો.
ઉલ્લેખનીય છે કે, મહાનગરપાલિકાની મુખ્ય કચેરી તથા ઝોનલ કચેરીઓ પરની કેશબારીઓ તથા ઓનલાઇન માધ્યમથી સ્વિકારવાનું શરૂ છે, જેમાં એપ્રિલ માસ દરમિયાન વેરો ભરપાઈ કર્યેથી મિલ્કત વેરા તથા સફાઈ વેરા પર ૧૦ ટકા રીબેટ તથા ઓનાલાઈન પેમેન્ટના કિસ્સામાં વધારાનું ૨ ટકા રીબેટનો લાભ મળવાપાત્ર છે. આ રીબેટ યોજનાનો મહત્તમ લાભ લઈ મિલ્કત વેરો ભરપાઈ કરવા મહાનગરપાલિકા દ્વારા અનુરોધ કરવામાં આવેલ છે.