જોરાવરનગરમાં જુમ્મા મસ્જીદ પાસે
પોલીસને જોઇ અન્ય શખ્સો નાસી છુટયો : રોકડ, બાઈક સહિત રૂા.1.20 લાખનો મુદ્દામાલ જપ્ત
સુરેન્દ્રનગર: જોરાવરનગર જુમ્મા મસ્જીદ પાસે ગુડદી પાસાનો જુગાર રમતા એક શખ્સ ઝડપાયો છે. પોલીસને જોઇ અન્ય શખ્સ નાસી છૂટયા હતા. પોલીસે સ્થળ પર રોકડ, મોબાઈલ અને બાઈક સહિત કુલ રૂા.૧.૨૦ લાખનો મુદ્દામાલ કબજે કરી કાર્યવાહી હાથ ધરી છે.
જોરાવરનગર પોલીસે પેટ્રોલિંગ દરમિયાન બાતમીના આધારે જોરાવરનગરમાં આવેલા રામાપીરના મંદિર પાસે જુમ્મા મસ્જીદ નજીક એક રહેણાંક મકાન પાસે જુગાર રમાતો હોવાની બાતમીના આધારે રેઈડ કરી હતી. રેઈડ દરમિયાન સ્થળ પરથી ચેતનભાઈ પોપટલાલ કોઠારીને રોકડ રૂા.૫,૧૦૦, મોબાઈલ કિંમત રૂા.૫,૦૦૦, પટમાંથી મળી આવેલ રોકડ રૂા.૨૦,૪૦૦ અને ત્રણ બાઈક કિંમત રૂા.૯૦,૦૦૦ મળી કુલ રૂા.૧,૨૦,૫૦૦ના મુદ્દામાલ સાથે ઝડપી પાડયો હતો. જ્યારે ગોપાલભાઈ ગાંડાભાઈ લાકડીયા તેમજ અન્ય શખ્સો બાઈક મુકી નાસી છુટયા હતા. જે અંગે જોરાવરનગર પોલીસ મથકે ચેતનભાઈ પોપટલાલ કોઠારી (રહે.જોરાવરનગર) તેમજ હાજર મળી ન આવેલ શખ્સો વિરૂધ્ધ ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે.