વોર્ડ નં. 19ના મકરપુરા વિસ્તારમાં પ્રાથમિક સુવિધાઓના અભાવને કારણે સ્થાનિક રહીશોમાં તંત્ર વિરુદ્ધ રોષ જોવા મળી રહ્યો છે.
રહીશોના જણાવ્યા અનુસાર, ખખડધજ રસ્તો, ગંદકીના ઢગલા અને પીવાના પાણીની તંગી અંગે અનેક વખત રજૂઆત કરવામાં આવી છે. તેમ છતાં સમસ્યાઓનો ઉકેલ ન આવતા આજે લોકોએ નારાજગી ઠાલવી હતી. ખાસ કરીને, હવેલી રોડથી પામ વિલા, રત્નમ ગ્રીન ફિલ્ડ, રત્નમ પામ ફિલ્ડ, દીપ દર્શન, શાલીગ્રામ અને ગણેશ નગર જેવી સોસાયટીઓને જોડતો મુખ્ય માર્ગ લાંબા સમયથી ખરાબ હાલતમાં છે. જેના કારણે અવરજવર કરવી મુશ્કેલ બની રહી છે. રહીશોનું કહેવું છે કે, એરફોર્સ ગેટથી કોઈપણ સોસાયટીમાં પ્રવેશ કરવો હોય તો રસ્તાની દયનીય હાલતને કારણે વાહનચાલકોને ભારે પરેશાનીનો સામનો કરવો પડે છે. વધુમાં આક્ષેપ કર્યો હતો કે, માંજલપુર અને માણેજા વિસ્તારમાં વિકાસ ઝડપથી થઈ રહ્યો છે, જ્યારે મકરપુરા વિસ્તારની અવગણના થઈ રહી છે. સમયસર વેરો ચૂકવવા છતાં રસ્તા, પીવાનું પાણી અને સફાઈ જેવી મૂળભૂત સુવિધાઓ મળી રહી નથી. રહીશોની માંગ હતી કે, તંત્ર વહેલીતકે રસ્તાનું સમારકામ કરે અને પાણી તથા સફાઈની સમસ્યાઓનું નિરાકરણ લાવે, નહીં તો તેઓ વધુ ઉગ્ર આંદોલનનો માર્ગ અપનાવશે.