– 23 જણાંને નોટિસ આપ્યાને અઠવાડિયાથી વધુ સમય વિત્યો છતાં કોઈ કાર્યવાહી નહીં
– ભાજપના પ્રમુખે ચીફ ઓફિસર અને કાર્યકરે ડેપ્યુટી કલેક્ટરને લેખિતમાં રજૂઆત કરી હતી, ચીફ ઓફિસરે નોટિસ કાઢી પુરાવા રજૂ કરવા કહેલું
સિહોર : સિહોરના ઘનકેડી રોડ પર રહેણાંક વિસ્તારમાં ગેરકાયદે રીતે માંસ-મટનની દુકાનો શરૂ કરી દેવામાં આવી હોવાની ફરિયાદો બાદ ચીફ ઓફિસરે ત્રણ દિવસમાં પુરાવા રજૂ કરવા કાઢેલી નોટિસને અઠવાડિયાથી વધુ સમય થયો હોવા છતાં પણ આળસુ તંત્રએ આજદિન સુધી કોઈ કાર્યવાહી કરવામાં આવી ન હોવાનો કકળાટ સાંભળવા મળી રહ્યો છે.
સિહોરમાં પ્રગટનાથ રોડ ઉપર આવેલ ધનકેડી વિસ્તાર અને તેની આસપાસ મોંઘીબાની જગ્યા, રાધાકૃષ્ણ મંદિર, સત્યનારાયણ મંદિર, પ્રગટનાથ મંદિર, મેલડી માતાજીનું મંદિર સહિત અનેક ધાર્મિક સ્થળો આવેલા છે. આજુબાજુમાં હિન્દુ વસવાટ હોવા છતાં પણ કેટલાક લોકોએ હેતુફેર કર્યા વિના રહેણાંક વિસ્તારમાં માસ-મટનની દુકાનોના હાટડા શરૂ કર્યા હતા. જેના કારણે દર્શનાર્થે જતાં લોકોની આસ્થાને ઠેર પહોંચતી હોય, આ મામલે સિહોર ભાજપના પ્રમુખે ચીફ ઓફિસર અને ભાજપના કાર્યકર કિશન ત્રિવેદીએ ડેપ્યુટી કલેક્ટરને લેખિતમાં રજૂઆત કરી કોઈપણ જાતના લાયસન્સ કે સરકારી પરવાનગી વિના ચાલતા કતલખાના, માંસ-મટનની દુકાનોને બંધ કરાવવા માંગણી કરી હતી. જેના પગલે ચીફ ઓફિસરે તોબડતોડ ૨૩ જણાંને નોટિસ પાઠવી ત્રણ દિવસમાં પુરાવાઓ રજૂ કરવા જણાવ્યું હતું.
આ નોટિસો કાઢ્યાને એક અઠવાડિયાથી વધુ સમય થયો છે. એવામાં ભાજપના શાસનમાં શહેર ભાજપ પ્રમુખે ખૂદ ફરિયાદ કરવા છતાં પણ ચીફ ઓફિસર કે નગરપાલિકા તંત્ર દ્વારા ગેરકાયદે રીતે ચાલતી માંસ-મટનની દુકાનોને બંધ કરાવવાની કોઈ કાર્યવાહી કરાઈ ન હોય, લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે. તંત્ર દ્વારા તાત્કાલિક અસરથી પગલા ભરી ગેરકાયદે દુકાનો-કતલાખાના બંધ કરવાની માંગણી ઉઠી છે.