અમદાવાદ,મુંબઈ : અમેરિકામાં વ્યાજદરમાં ઘટાડાની વધી રહેલી શકયતા, ડોલરમાં નબળાઈ, ઊંચી વૈશ્વિક માગ તથા ભૌગોલિકરાજકીય અશાંતિ વચ્ચે વિશ્વ બજારમાં સપ્તાહના પ્રથમ દિવસે કિંમતી ધાતુમાં તેજી જળવાઈ રહેતા ઘરઆંગણે સોનાચાંદીમાં નવા ઊંચા ભાવ જોવા મળ્યા હતા. દશેરા પહેલા જ અમદાવાદ સોનું રૂપિયા ૧,૨૦,૦૦૦ જ્યારે મુંબઇ ચાંદી રૂપિયા ૧,૫૦,૦૦૦ નજીક પહોંચી ગઇ છે.
જે રીતે રોજેરોજ નવા ભાવ જોવા મળી રહ્યા છે તેને જોતા રોકાણકારો વર્તમાન ભાવે સોનું વેચવું કે નવ ું લેવું તેની મુંઝવણ અનુભવી રહ્યા છે. પૂરવઠો વધવાના એંધાણે ક્રુડ તેલમાં ભાવ દબાણ હેઠળ આવી ગયા હતા.
ઘરઆંગણે મુંબઈ ઝવેરી બજારમાં સોનુ ૯૯.૯૦ દસ ગ્રામ દીઠ જીએસટી વગર રૂપિયા ૧,૧૫,૪૫૪ મુકાતુ હતું. જીએસટી સાથે ભાવ ત્રણ ટકા ઊંચા એટલે કે રૂપિયા ૧,૧૮,૯૧૫ મુકાતુ હતુ. ૯૯.૫૦ સોનાના દસ ગ્રામના ભાવ જીએસટી વગર રૂપિયા ૧,૧૪,૯૯૨ મુકાતા હતા. જીએસટી સાથે ભાવ ત્રણ ટકા ઊંચા બોલાતા હતા. ચાંદી .૯૯૯ એક કિલોના જીએસટી વગરના ભાવ શનિવારની સરખામણીએ રૂપિયા ૨૩૦૦થી વધુ વધી રૂપિયા ૧,૪૪,૩૮૭ રહ્યા હતા. શુક્રવારના સત્તાવાર બંધ ભાવની સરખામણીએ ચાંદીમાં રૂપિયા ૬૦૦૦થી વધુનો ઉછાળો આવ્યો છે. સોમવારે ચાંદી જીએસટી સાથે રૂપિયા ૧,૪૮,૭૧૬ મુકાતી હતી.
અમદાવાદ ઝવેરી બજારમાં સોનુ ૯૯.૯૦ પ્રતિ દસ ગ્રામ રૂપિયા ૧,૧૯,૫૦૦ જ્યારે ૯૯.૫૦ સોનાના દસ ગ્રામના રૂપિયા ૧,૧૯,૨૦૦ મુકાતા હતા. ચાંદી .૯૯૯ એક કિલોના રૂપિયા ૧,૪૭,૦૦૦ કવોટ થતા હતા.
વિશ્વ બજારમાં સોનુ ઔંસ દીઠ ૬૦ ડોલર ઉછળી ૩૮૨૦ ડોલર મુકાતુ હતું. ચાંદી પ્રતિ ઔંસ ૪૬.૭૦ ડોલર જ્યારે પ્લેટિનમ ૧૫૯૦ ડોલર અને પેલેડિયમ ઔંસ દીઠ ૧૨૬૪ ડોલર મુકાતુ હતું. સોનાના ભાવ ઐતિહાસિક સપાટીએ પહોંચતા અમેરિકામાં સરકાર પાસેના ગોલ્ડ રિઝર્વનું મૂલ્ય એક ટ્રિલિયન ડોલરને પાર કરી ગયું છે.
ઈરાકના કુર્દીસ્તાન વિસ્તારમાંથી ક્રુડ ઓઈલની નિકાસ પાછી શરૂ કરશે અને ઓપેક દેશો દ્વારા ઉત્પાદન વધારવાના સંકેતે ભાવ ઘટાડા તરફી રહ્યા હતા. નાયમેકસ ડબ્લ્યુટીઆઈ પ્રતિ બેરલ ૬૪.૩૩ ડોલર જ્યારે આઈસીઈ બ્રેન્ટ ક્રુડ ઓઈલ મોડી સાંજે પ્રતિ બેરલ ૬૮.૮૮ ડોલર મુકાતું હતું. નાયમેકસ ક્રુડ ઓઈલ ઉપરમાં ૬૫.૫૦ ડોલર જોવા મળ્યું હતું.