અમદાવાદ, શુક્રવાર
ઉત્તરપ્રદેશથી રોજગારી માટે અમદાવાદ આવેલા બે યુવકોને શટલ રિક્ષા ચાલકે સાબરમતીથી રિક્ષામાં બેસાડયા હતા. ત્યારબાદ વહેલી પરોઢે કાલુપુર રેલવે સ્ટેશનના બદલે વોરાના રોઝા પાસે અવાવરુ જગ્યાએ લઇ જઇને તેના સાગરિત સાથે મળીને છરી બતાવીને બે મોબાઇલ અને રોકડા રૃા. ૮,૩૦૦ સહિત કુલ રૃા. ૧૭,૩૦નો મુદ્દામાલ લૂંટીને ફરાર થઇ ગયા હતા. આ અંગે શહેરકોટડા પોલીસે લૂંટનો ગુનો નોંધીને સીસીટીવી ફૂટેજ આધારે વધુ તપાસ હાથ ધરી છે.
વહેલી પરોઢે સાબરમતીથી રિક્ષામાં બેસીને કાલુપુર રેલવે સ્ટેશન જતા હતા ઃ લૂંટારુ સામે શહેરકોટડા પોલીસે ગુનો નોંધી તપાસ શરુ કરી
ઉત્તરપ્રદેશમાં રહેતા અને બેકારીનો સામનો કરી રહેલા તરુણભાઇ (ઉ.વ.૧૯)એ શહેર કોટડા પોલીસ સ્ટેશનમાં રિક્ષા ચાલક સહિત બે લોકો સામે ફરિયાદ નોંધાવી છે કે તે અને તેના કાકાના દિકરા કાર્તિકભાઇ નોકરીની શોધમાં અમદાવાદ આવ્યા હતા તા.૨ એપ્રિલે તેઓ રાજસ્થાનથી ટ્રેનમાં અમદાવાદ સાબરમતી આવ્યા હતા અને ગઇકાલે વહેલી સવારે સાબરમતી રેલવે સ્ટેશનથી કાલુપુર રેલ્વે સ્ટેશન આવવા શટલ રિક્ષામાં બન્ને બેઠા હતા.
આ સમયે રસ્તામાં રિક્ષા ચાલક ઉપર અજાણ્યા શખ્સનો ફોન આવતા તેણે હાલ બે પેસેન્જર છે પછી આવીશ કહી ફોન મૂકી દીધો હતો અને થોડા આગળ જતા એક પેસેન્જરે હાથ બતાવતા રિક્ષા ચાલકે રિક્ષા ઉભી રાખી હતી અને પેસેન્જરને બેસાડીને રિક્ષા કાલુપુર રેલવે સ્ટેશનના બદલે કાલુપુર બ્રિજ પરથી આગળ વોરાના રોઝા પાસે અવારુ સ્થળે રિક્ષા લઇ ગયો હતો અને અજાણ્યા પેસેન્જર તથા રિક્ષા ચાલકે છરી બતાવીને બન્ને યુવકોને ધમકાવીને બે મોબાઇલ અને રોકડા ૮,૩૦૦ સહિત કુલ રૃા.૧૭,૩૦૦નો મુદ્દામાલ લૂંટી લીધો હતો.